રાજકોટમાં વિકાસ યોજનાઓનું સર્જિકલ ઓડિટ
100 કરોડના પ્રોજેક્ટ પર સંકટના વાદળ: મેયરે કહ્યું, જરૂર ન હોય તો રોકી દો
મેયર નેહલ શુકલની પ્રથમ સમીક્ષા બેઠકમાં અધિકારીઓને કડક સૂચનાઓ, અઠવાડિયામાં માંગ્યો નવો રિપોર્ટ : 60 ટકા કરતાં વધુ પૂર્ણ થયેલા કામોને પ્રાથમિકતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં નવી મેયર ટીમે ચાર્જ સંભાળતાની સાથે જ કરકસર અને કાર્યક્ષમતાના એજન્ડાને પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખર્ચમાં સંયમ રાખવા અપાયેલા માર્ગદર્શનના અનુસંધાનમાં રાજકોટ મહાનગરપાલિકામાં પણ હવે વિવિધ વિકાસ યોજનાઓ અને પ્રોજેક્ટની નવેસરથી સમીક્ષા શરૂ કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુકલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇન્ચાર્જ કમિશ્નર, નાયબ કમિશ્નરો, તમામ સિટી ઇજનેરો તથા વિભાગીય વડાઓને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ બેઠક શરૂઆતમાં સામાન્ય પરિચય અને કામગીરીની સમીક્ષા જેવી લાગી હતી, પરંતુ બેઠક આગળ વધતાં મેયરે વિવિધ વિભાગોને કડક નિર્દેશો આપતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને જે પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે પરંતુ તેની પ્રગતિ હજુ માત્ર 20 ટકા જેટલી જ થઈ છે, તેવા તમામ પ્રોજેક્ટને હાલ પૂરતા હોલ્ડ પર રાખવા અને તેની વાસ્તવિક જરૂરિયાત અંગેનો વિગતવાર રિપોર્ટ એક અઠવાડિયામાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
મેયરે તમામ વિભાગો પાસેથી હાલ ચાલી રહેલા કામો, નવા વર્ષના આયોજન, અગાઉના બજેટમાં મંજૂર થયેલી પરંતુ અધૂરી રહેલી યોજનાઓ, તેની પ્રગતિ અને ખર્ચની વિગતો માંગતા અધિકારીઓને નવા રિપોર્ટ તૈયાર કરવાની ફરજ પડી છે. મનપા સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દસ દિવસમાં તમામ રિપોર્ટ મળ્યા બાદ ફરી સમીક્ષા કરવામાં આવશે અને તે પછી જ નક્કી થશે કે કયા પ્રોજેક્ટ ચાલુ રાખવાના અને કયા મોકૂફ રાખવાના.
કોર્પોરેશનમાં હાલ અમલમાં રહેલા કેટલાક મોટા અને ખર્ચાળ પ્રોજેક્ટ પણ આ સમીક્ષાના દાયરામાં આવ્યા છે. જો કોઈ યોજના પર મોટો ખર્ચ થવાનો હોય અને તેની તાત્કાલિક ઉપયોગિતા ઓછી જણાય તો તેને કરકસરના ભાગરૂપે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી શકે છે. બીજી તરફ 50થી 60 ટકા કે તેથી વધુ પૂર્ણ થઈ ચૂકેલા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે આવા કામો અડધા છોડવાથી વધુ નુકસાન થવાની શક્યતા રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્માર્ટ સિટી યોજના હેઠળની વર્કિંગ વુમન હોસ્ટેલ, જયુબિલી શાક માર્કેટ સહિતના અંદાજે 100 કરોડ રૂપિયાના કેટલાક મહત્વના પ્રોજેક્ટ પણ હાલ રડારમાં છે. આ યોજનાઓ અંગે અંતિમ નિર્ણય આગામી સમીક્ષા બાદ લેવામાં આવશે, પરંતુ હાલ માટે આવા પ્રોજેક્ટ પર બ્રેક લાગવાના સંકેતો મળી રહ્યા છે.
બેઠક દરમિયાન મેયરે પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાજકોટમાં ચોમાસા પૂર્વે વોંકળા સફાઈ સહિતની કામગીરી ચાલી રહી છે, છતાં મેનહોલ સફાઈનું આશરે 25 ટકા કામ હજુ બાકી હોવાનું સામે આવતા મેયરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગત વર્ષ જેવી સ્થિતિ ફરી સર્જાય તેવું કોઈપણ સંજોગોમાં ન બનવું જોઈએ. શહેરમાં દર વર્ષે જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવા વિસ્તારોની યાદી, ખાડાઓની સ્થિતિ અને ગ્રીન, યેલો તથા રેડ ઝોન મુજબના વર્ગીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
મેયરે જન્મ-મરણ વિભાગની કામગીરીને વધુ લોકભોગ્ય અને સરળ બનાવવા માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. નાગરિકોને નાની બાબતો માટે ધક્કા ન ખાવા પડે અને કામ સમયસર પૂર્ણ થાય તેની જવાબદારી અધિકારીઓએ સ્વીકારવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
કર્મચારીઓ અને અધિકારીઓને સંબોધતા મેયરે જણાવ્યું હતું કે કમિશ્નર, મેયર કે પદાધિકારીઓ બદલાતા રહે છે, પરંતુ મનપાનો સ્ટાફ વર્ષો સુધી એકસરખો રહે છે અને લોકો સાથેનો સૌથી વધુ સીધો સંપર્ક પણ તેમનો જ હોય છે. તેથી કર્મચારીઓએ લોકોના આશીર્વાદ મળે તે રીતે સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ.
આ ઉપરાંત ત્રણે ઝોનના નાયબ કમિશ્નરોને રોજિંદી કામગીરીનો અહેવાલ વ્યક્તિગત રીતે રજૂ કરવાની નવી વ્યવસ્થા પણ અમલમાં મુકાઈ છે. મેયરનો આશય ત્રણે ઝોન વચ્ચેનું સંકલન વધુ મજબૂત કરવાનો છે જેથી નાગરિકોને એક કચેરીથી બીજી કચેરી સુધી ધક્કા ન ખાવા પડે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બને.
20 ટકા સુધીના પ્રોજેક્ટ પર લાલ નિશાન
માત્ર 20 ટકા સુધી પહોંચેલા પ્રોજેક્ટને હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ આ કામોની વાસ્તવિક જરૂરિયાત, ઉપયોગિતા અને ખર્ચ અંગેનો વિગતવાર રિપોર્ટ એક અઠવાડિયામાં રજૂ કરવાનો રહેશે.
60 ટકા પૂર્ણ થયેલા કામોને ગ્રીન સિગ્નલ :
અધૂરા છોડવાને બદલે ઝડપથી પૂર્ણ કરવા સૂચના
જે પ્રોજેક્ટ 50થી 60 ટકા અથવા તેનાથી વધુ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેવા કામોને અટકાવવામાં નહીં આવે. આવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી નાગરિકોને તેનો લાભ મળે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
વર્કિંગ વુમન હોસ્ટેલ અને જયુબિલી માર્કેટ અંગે સમીક્ષા
સ્માર્ટ સિટી હેઠળના વર્કિંગ વુમન હોસ્ટેલ, જયુબિલી શાક માર્કેટ સહિતના અંદાજે 100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પણ નવેસરથી સમીક્ષા થશે. કરકસરના ભાગરૂપે કેટલાક કામો મોકૂફ રાખવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
પ્રિ-મોન્સૂન કામગીરીમાં વિલંબથી મેયર નારાજ
મેનહોલ સફાઈનું 25 ટકા કામ હજુ બાકી
ચોમાસું નજીક હોવા છતાં મેનહોલ સફાઈ સહિતની કેટલીક કામગીરી અધૂરી હોવાનું સામે આવતા મેયરે નારાજગી વ્યક્ત કરી હતી. વરસાદી પાણી ભરાતા વિસ્તારો અને ખાડાઓનો તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ત્રણે ડેપ્યુટી કમિશ્નરને ડેઇલી રિપોર્ટિંગ ફરજિયાત
ઝોન વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસ
ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશ્નરોને દરરોજ મેયર સમક્ષ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ અને વહીવટી સંકલન વધારવાનો આ પ્રયાસ માનવામાં આવે છે.


