૭૨માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘મારણ’ ૩૧ જુલાઈએ સિનેમાઘરોમાં થશે રિલીઝ : CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી તારીખ
મુખ્યમંત્રીએ ટીમ ‘મારણ’ને અભિનંદન પાઠવ્યા; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ સર્જકોનું કર્યું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (૨૦૨૬)માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ’નો એવોર્ડ જીતનારી સિનેમેન પ્રોડક્શન્સની ફિલ્મ ‘MAARAN’ (મારણ) ની રિલીઝ તારીખની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આ સામાજિક ચેતનાને સ્પર્શતી ફિલ્મ આગામી ૩૧મી જુલાઈ, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.
મુખ્યમંત્રીએ ટીમ ‘મારણ’ને ઉષ્માભર્યા અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, “હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા જઈશ.” ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક અભિષેક જૈને આ સન્માન સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત કરી સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજા નેશનલ એવોર્ડ બદલ સર્જકોને બિરદાવી ફિલ્મ પોલિસી અને સિનેમાના વિકાસ માટે પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ઉપરાંત, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ અભિષેક જૈન સાથે મુલાકાત કરી વાર્તા અને શીર્ષક અંગે ચર્ચા કરીને તેમનું બહુમાન કર્યું હતું.
અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત અને દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરે લિખિત આ ફિલ્મમાં યશ સોની, દીક્ષા જોશી, શ્રુહદ ગોસ્વામી, તર્જની ભડલા, અભિનય બેન્કર સહિતના કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આલાપ-પાર્થનું સંગીત અને ભાર્ગવ પુરોહિતના ગીતો ધરાવતી આ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ૩૧ જુલાઈએ મોટા પડદે જોવા મળશે.


