વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
મહેંદીના કલાસના ટિચરના ભાઇએ ઉઠાવેલો ગેર લાભ : ધરપકડ કરાઇ
અગ્ર ગુજરાત, વેરાવળ
ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આરોપીએ મહેંદી શીખવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો દૂરોપયોગ કર્યો હતો. પોલીસે 19 વર્ષીય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી. આ દરમિયાન મહેંદી શીખવનાર સગીરાનો ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણ (ઉં.વ.19)એ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી.
આશરે 15 દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે, આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી, તેની સાથે બળજબરી કરી કુકર્મ આચર્યું હતું.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે, પીડિતાના પરિવારે સગીરાનાા મોબાઈલમાં તેનો આરોપી સાથેનો ફોટો જોયો. પરિવારે આ અંગે કડકાઈથી પૂછપરછ કરતાં પીડિતા ભાંગી પડી અને પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. માતાએ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી PI જે.એન. ગઢવીની આગેવાનીમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)ના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી મહમદ સીરાજ ચૌહાણને તેના જ ઘરની નજીકથી દબોચી લીધો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 64(1) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 3(એ) અને 4 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના જોખમો અને સગીર બાળકોના ઓનલાઇન સંપર્કો પ્રત્યે વાલીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પોલીસની આ ત્વરિત કામગીરીને વેરાવળના નગરજનોએ બિરદાવી છે.


