ચૂંટણીના દિવસે જ સૂર્યનારાયણ રાજકોટમાં આકરો મીજાજ બતાવશે, ૪3 ડિગ્રીની આગાહી
૧૮ થી ૨૨મી સુધી ફરી માવઠાની ચેતવણી : એપ્રિલમાં ૪૪ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની હવામાન નિષ્ણાંતોની અગનવાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતમાં ઉનાળાનો પ્રભાવ તેજ બનતા છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં વધારા બાદ વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીમાં વધારા બાદ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાન 40થી 41 ડિગ્રી સુધી વધી શકે છે. 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવશે જેના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. 25 એપ્રિલ બાદ ફરી ગરમીમાં વધારો થશે. 26 તારીખથી તાપમાન 43 ડિગ્રીને પાર કરી જશે. પશ્ચિમ વિક્ષેપથી ગરમીમાં રાહત મળવાની શક્યતાઓ પણ છે.
હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચ્યું છે.રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સહિતના શહેરોમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું.જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં તાપમાન વધીને 41 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 20 એપ્રિલ સુધી ગરમીમાં સતત વધારો જોવા મળશે. જોકે, 21 એપ્રિલ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે અને 22 એપ્રિલની આસપાસ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે હળવા વરસાદી છાંટા પડી શકે છે. પરંતુ, ચૂંટણીના દિવસે ફરીથી ગરમીનો પારો ઉંચો રહેશે અને 26 એપ્રિલબાદ ગરમીમાં ફરીથી વધારો થવાની શક્યતા છે.


