રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત
સૌરાષ્ટ્રની આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે એઇમ્સ બને પથદર્શક: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રેરક ઉદબોધન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ગઇકાલે પ્રથમ દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશેષ ઉપસ્થિત રહી પ્રથમ બેચના 50 તેજસ્વી વિદ્યાર્થીઓને MBBSની પદવી એનાયત કરી હતી. આ સાથે જ રાજકોટ એઇમ્સના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પીછું ઉમેરાયું છે.
રાજકોટ એઇમ્સના આંગણે યોજાયેલા પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા ડૉક્ટરોને સંબોધતા જણાવ્યું હતું કે, તબીબી વ્યવસાય એ માત્ર કારકિર્દી નથી પણ માનવતાની સેવા કરવાનું મોટું માધ્યમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં પ્રવર્તતી આરોગ્યલક્ષી જટિલ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે રાજકોટ એઇમ્સે સંશોધન અને સારવાર ક્ષેત્રે આગેવાની લેવી જોઈએ.
સમારોહ દરમિયાન અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 50 વિદ્યાર્થીઓએ તેમની તબીબી પદવી ગ્રહણ કરી હતી, જેમના ચહેરા પર વર્ષોની મહેનતની સફળતાની ખુશી જોવા મળી હતી.
રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે, સૌરાષ્ટ્રના આ પ્રદેશમાં દ્વારકાધીશ અને સોમનાથ જેવા પવિત્ર સ્થળો છે. આ પ્રદેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ અને પ્રારંભિક જીવન સાથે પણ સંકળાયેલો છે. સૌરાષ્ટ્ર માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નથી, પરંતુ ભારતના આધ્યાત્મિક વારસા અને સ્વતંત્રતા સંગ્રામની યાદો પણ ધરાવે છે. આવા મહત્વપૂર્ણ કેન્દ્રમાં સ્થિત, એઈમ્સ રાજકોટ તમામ હિસ્સેદારો પાસેથી ભગવાન કૃષ્ણ દ્વારા બતાવેલા કર્મના માર્ગને અનુસરીને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની અપેક્ષા રાખે છે. ભગવદ ગીતામાં, ભગવાન કૃષ્ણએ કહેલા શ્લોકને ટાંકેલ અને તેનો ભાવાર્થ આપતાં રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે, જે કોઈ પણ જીવનો દ્વેષ કરતા નથી, બધાના મિત્ર છે, દયાળુ છે, આવા ભક્તો ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. કારણ કે તેઓ માલિકીની ભાવનાથી રહિત અને ખોટા અહંકારથી મુક્ત છે, દુઃખ અને સુખમાં સમતા ધરાવે છે અને હંમેશા ક્ષમાશીલ છે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે, આ સંસ્થા દ્વારા તૈયાર થયેલા ડૉક્ટરો છેવાડાના માનવી સુધી આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકોટ એઇમ્સ હવે માત્ર ગુજરાત જ નહીં પણ પશ્ચિમ ભારત માટે આરોગ્યનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


