જેતપુરના દેવકી ગાલોલ નજીક ચોરાઉ પાંચ બાઇક સાથે ત્રણ શખ્સ ઝડપાયા
રૂ.૨ લાખનો મુદામાલ પોલીસે રીકવર કર્યો : અવાવરૂ જગ્યાએથી ઉઠાંતરી કરતા હોવાની કબૂલાત
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એલ. આહિર અને તેમની ટીમે દેવકી ગાલોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે.
જેતપુર તાલુકા પી.આઈ. એમ.એલ. આહિર અને તેમની ટીમ જ્યારે દેવકી ગાલોલ ચેકપોસ્ટ પર કાર્યરત હતી, ત્યારે જેતપુર તરફથી ત્રણ શંકાસ્પદ શખ્સો મોટરસાયકલ પર પસાર થતા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પૈકીનો એક શખ્સ તાજેતરમાં જ જુનાગઢ શહેરમાંથી બાઈક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. જુનાગઢ નેત્રમ શાખા દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો હતો, તેના આધારે પોલીસે આ શખ્સની ઓળખ કરી લીધી હતી. કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ ૫ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપી રોહિત ઉર્ફે વિક્રમ ગોરધનભાઇ બોરાણીયા (ઉ.વ. ૧૯), અંકિત નાગરભાઇ બોરાણીયા (ઉ.વ. ૨૦) બને રહે. નડાણા ગામ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર. અને દર્શન ભરતભાઇ રાજપરા (ઉ.વ. ૨૦): રહે. થોરીયાળી ગામ, તા. વિંછીયા, જિ. રાજકોટ. નો સમાવેશ થાય છે. આરોપી પાસેથી પાંચ મોટરસાયકલ રિકવર કર્યા છે.


