માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિએ મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ
સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્નેહસભર સંબંધો, કૃતજ્ઞતા અને પરમાત્માના સ્મરણમાં સમાયેલી છે : અપૂર્વમુનિ સ્વામી
સાંજે 6 થી 9 દરમિયાન ‘લક્ષ્મણ રેખા’ થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા છેલ્લા 5 દિવસથી ચાલતા “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત તમામ શ્રોતાજનોને ‘માનવીને સાચી મોજનો રાજમાર્ગ’ દર્શાવ્યો હતો. આ પ્રસંગે BAPS સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત અને સારંગપુર સંત તાલીમ કેન્દ્રના મુખ્ય સંચાલક સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો.
મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ “મોજમાં રહે તે માનવ” વિષય પર હૃદયસ્પર્શી અને ચિંતનપ્રેરક પ્રવચન આપ્યું. પ્રવચનમાં તેઓએ સમજાવ્યું કે આજના ભૌતિકવાદી યુગમાં માણસે મોજનો અર્થ ખોટી રીતે વૈભવ, દેખાવ, સુખ-સગવડો અને સામાજિક સરખામણી સાથે જોડી દીધો છે, જ્યારે સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્નેહસભર સંબંધો, કૃતજ્ઞતા અને પરમાત્માના સ્મરણમાં વસે છે. તેઓએ પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે પૈસા, પ્રસિદ્ધિ અને ભૌતિક સુખ હોવા છતાં મનુષ્યને શાંતિ મળે જ એવું જરૂરી નથી. બીજી તરફ, સાદગી, સેવાભાવ, આધ્યાત્મિકતા અને સ્વીકાર સાથે જીવતા લોકો પરિસ્થિતિઓ વચ્ચે પણ સાચું સુખ અનુભવી શકે છે. તેમણે ખાસ ભાર મુક્યો કે તુલના, ઈર્ષ્યા, ઓવરથિંકિંગ, સોશિયલ મીડિયાની ચકાચૌંધ અને અતિશય અપેક્ષાઓ માનવીની મોજ છીનવી લે છે.
આજે તા. 17 એપ્રિલ, શુક્રવારે સાંજે 6 થી 9 દરમિયાન ‘લક્ષ્મણ રેખા’ થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન ઉજવાશે.
ઘરથી મહોત્સવ સુધી: નારીશક્તિનું અદમ્ય સમર્પણ
આ મહોત્સવમાં ૪ વર્ષની બાલિકા લઈને ૮૦ વર્ષથી વધુ ઉંમરની બહેનો વિવિધ વિભાગોમાં સેવા આપી રહી છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી યુવતીઓ તેમજ પરીક્ષાઓ આપતી દીકરીઓ સેવા દરમિયાન પોતાના પુસ્તકો સાથે લાવી નવરાશના પળોમાં અભ્યાસ પણ કરે છે. આ રીતે તેઓ જીવનમાં સંસ્કાર અને શિક્ષણનો સુંદર સમન્વય પ્રસ્તુત કરી રહી છે. નાના બાળકોને સાથે રાખીને સેવા કરતી માતાઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે, જે માતૃત્વ અને ભક્તિનો અનોખો સંગમ દર્શાવે છે.
પ્રસાદ વિભાગમાં આશરે ૯૦ જેટલી યુવતીઓ રોજ હજારો ભક્તોને પ્રસાદી બેગ (મીઠાઈ, ફરસાણ, પાણી અને કોલ્ડ્રિન્ક્સ)નું વિતરણ કરે છે. પૂજન વિભાગમાં ૧૦૦ બહેનો સવારે 4:30 વાગ્યાથી હાજર થઈ પૂજન માટેની થાળીઓ તૈયાર કરવાથી લઈને સમગ્ર વ્યવસ્થા અને સફાઈ સુધીની તમામ જવાબદારીઓ નિભાવે છે. પાણી વિભાગમાં ૪૦ બહેનો સાંજે ૪ થી રાત્રે ૧ વાગ્યા સુધી અવિરત સેવા આપે છે. પ્રેસ વિભાગમાં ૨૦ જેટલી યુવતીઓ ટેકનોલોજીના માધ્યમથી મહોત્સવને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં નિરંતર કાર્યરત છે. વિડિયોગ્રાફી, પ્રોફેશનલ એડિટિંગ અને દૈનિક અહેવાલ લેખન જેવી જવાબદારીઓ તેઓ અત્યંત નિષ્ઠા અને કુશળતાથી નિભાવે છે. પી.આર. વિભાગમાં ૬૦ બહેનો મહેમાનોનું સ્વાગત, સન્માન અને માર્ગદર્શન એટલી નમ્રતા અને શિસ્તથી કરે છે કે મહેમાનો તેમના આદરથી મંત્રમુગ્ધ થઈ જાય છે.
મંદિર રસોડું તો જાણે સેવા અને સમર્પણનું કેન્દ્ર બની ગયું છે. અહીં ૨૫૦ જેટલા બહેનો સવારે ૯ થી સાંજે ૭ સુધી વિવિધ વિભાગોમાં સેવા આપે છે. ૯૫ જેટલી બહેનો પ્રેમવતી કાઉન્ટર પર સતત સેવા આપે છે.
સ્વયંસેવક ભોજનશાળામાં ૮૦ બહેનો છેલ્લા 15 દિવસથી નિયમિત સેવા આપી રહી છે. તેઓ સાંજે ૫ વાગ્યે હાજર થઈ રાત્રે ૧૧ વાગ્યા સુધી સેવા આપે છે. મેડિકલ અને રક્તદાન વિભાગમાં પણ મહિલાઓ સક્રિય ભાગ ભજવી રહી છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી પણ વધુ બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે અને ૭૦ થી બહેનો અંગદાનના સંકલ્પમાં જોડાઈ છે.


