સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નશાના કારોબારનો નવો ચિલો
દરિયાઇ માર્ગે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કૌભાંડનો થયો ભાંડાફોડ
વલસાડના સમુદ્રમાં બોટમાં ભરેલી ૧૮,૬૭૨ બોટલ ઝડપાઇ : ૫૦ લાખથી વધુના મુદામાલ કસ્ટમ વિભાગે જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, વલસાડ
વલસાડ જિલ્લાના સમુદ્ર કિનારે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જતી બોટને અટકાવી તપાસ કરતા અધિકારીઓને વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આ ઓપરેશનથી દમણથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.
માહિતી અનુસાર, કસ્ટમ વિભાગની ટીમ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કોલક સમુદ્ર કિનારે એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. મોજાંઓ વચ્ચે છુપાઈને આગળ વધવાનો પ્રયાસ કરતી બોટને અધિકારીઓએ ઘેરી લીધી અને કિનારે લાવી સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બોટમાંથી કુલ 555 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં આશરે 18,672 બોટલો સામેલ હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 50 લાખ રૂપિયા કરતાં વધુ હોવાનું અનુમાન છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે તેને ગણવામાં અને સુરક્ષિત રીતે ખસેડવામાં કલાકો સુધી મહેનત કરવી પડી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂનો આ જથ્થો દમણથી ભરીને ગુજરાતના કોઈ ચોક્કસ સ્થળે પહોંચાડવાનો પ્લાન હતો. રસ્તા માર્ગે કડક ચેકિંગને કારણે હવે બૂટલેગરો દરિયાઈ માર્ગ અપનાવી રહ્યા છે, પરંતુ કસ્ટમ વિભાગની સતર્કતાએ તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે.
જપ્ત કરાયેલી બોટ અને દારૂનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ વલસાડ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે બોટનો માલિક કોણ છે અને આ જથ્થો કોને સપ્લાય થવાનો હતો. દમણના મોટા ગજાના બૂટલેગરોની સંડોવણીની દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
આ કામગીરી બાદ વિસ્તારમાં બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


