જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન
માંગણીઓ સ્વીકારવા મામલતદાર સમક્ષ રજૂઆત
અગ્ર ગુજરાત, જેતપુર
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને પ્રવેશ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જેતપુર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ABVP ના હોદ્દેદારો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ABVPના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે GCAS પોર્ટલ દ્વારા ચાલતી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ સામે આવી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે. પોર્ટલમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાતા સર્વર ડાઉન થઈ જવું, 33 જેટલા લાંબા રાઉન્ડ ચાલવા અને પ્રવેશ પ્રક્રિયામાં થતા વિલંબને કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વિલંબનો લાભ લઈને ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલી રહી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક બોજ સહન કરવો પડે છે.
ABVP દ્વારા અપાયેલા આવેદનપત્રમાં મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં GCAS પોર્ટલમાં તાત્કાલિક ધોરણે ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે જેથી પ્રવેશ પ્રક્રિયા પારદર્શક બને. જો તેમ ન કરવામાં આવે તો, પ્રવેશ પ્રક્રિયાને ડિસેન્ટ્રલાઇઝ કરી વિશ્વવિદ્યાલયોને સોંપવામાં આવે. તેમજ રજીસ્ટ્રેશનના નામે ઉઘરાવવામાં આવતા રૂ. 300ની ફીમાં ઘટાડો કરવામાં આવે અથવા આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે. પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરી પ્રવેશ પ્રક્રિયા સરળ અને સમયસર પૂર્ણ કરવામાં આવે.
ABVP રાજકોટ જિલ્લા સંયોજક દર્શન ભુવા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી GCAS એડમિશન સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની છે. વારંવારની ટેકનિકલ ખામીઓને લીધે વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં એડમિશન મળતું નથી અને મોંઘી ફી ભરીને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં જવું પડે છે. અમારી સ્પષ્ટ માંગ છે કે કાં તો પ્રાઈવેટ યુનિવર્સિટીઓને આ પોર્ટલમાં સામેલ કરો અથવા રૂ. 300 ની ઉઘાડી લૂંટ બંધ કરીને એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીઓને સોંપો. જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતના કેમ્પસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેતપુર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


