જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ
₹5.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ : ચાલક ફરાર
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન જેતપુર તાલુકા પોલીસે ચારણ સમઢીયાળા ગામના રસ્તેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ફોર-વ્હીલર કાર ઝડપી પાડી છે.જોકે કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
જેતપુર વિભાગના ડીવાયએસપી આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકેના પીઆઈ એમ.એલ. આહિર અને તેમની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડ અને હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીરને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
પોલીસે બાતમીના આધારે ચારણ સમઢીયાળાથી હનુમાન ખીજડીયા જવાના રસ્તે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી મારૂતી સુઝુકી સ્વિફ્ટ કાર (નંબર GJ-03-EL-0481) ને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારનો ચાલક પોલીસને જોઈને વાહન મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના ૧૮૦ ML ના અલગ-અલગ બ્રાન્ડના કુલ ૧૫૮૪ નંગ ચપલા મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૫૪,૯૨૨/- થાય છે. પોલીસે રૂ. ૩ લાખની કાર અને દારૂ મળી કુલ રૂ. ૫,૫૪,૯૨૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


