બિલની તરફેણમાં ૨૯૮ અને વિરોધમાં ૨3૦ મત પડયા
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
૨૦૨૯ની લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત નહી મળે : બિલ નાપાસ થતા ભાજપ મહિલા સાંસદનો પરિસરમાં જ વિરોધ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ, એટલે કે 131મા બંધારણીય સુધારા બિલ પર બે દિવસ સુધી સતત ચર્ચા થયા પછી, શુક્રવાર, 17 એપ્રિલ થયેલા મતદાનમાં આ બિલનો પરાજય થયો. આ બંધારણીય સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. આ બિલના પક્ષમાં 298 સાંસદોએ મતદાન કર્યું હતું, જ્યારે તેના વિરુદ્ધમાં 230 સાંસદોએ મતદાન કર્યું. જ્યારે 528 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો. સરકારને બિલ પસાર થવા માટે 326 મતની જરૂર હતી, જે પ્રાપ્ત થઈ શકી નહીં.
આ રીતે, 2029ની લોકસભા ચૂંટણીથી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા સંબંધિત બંધારણ સુધારો બિલ શુક્રવારે સંસદના નીચલા ગૃહમાં પસાર થઈ શક્યું નહીં. આ બિલની સાથે, સરકારે ‘સીમાંકન બિલ, 2026’ અને ‘કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ, 2026’ પણ ગૃહમાં ચર્ચા અને પસાર કરવા માટે મૂક્યા હતા, પરંતુ તે પણ આગળ લઈ જઈ શકાયા નહીં. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે બંધારણ સુધારો બિલ પસાર ન થયા પછી, હવે બંને સંબંધિત બિલ ‘સીમાંકન બિલ, 2026’ અને ‘કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ, 2026’ આગળ લઈ જઈ શકાતા નથી.
મતદાન દરમિયાન મહિલા અનામત સંબંધિત ત્રણ બિલો રદ થયા. લોકસભામાં આ બિલોની હાર બાદ, ભારતીય જનતા પાર્ટી અને NDAના મહિલા સાંસદોએ વિરોધ પક્ષ સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ સંસદના મકર ગેટથી શરૂ થયો. હવે, આવતીકાલથી, 18 એપ્રિલથી, ભાજપ અને NDA સંલગ્ન પક્ષોના કાર્યકરો ઇન્ડિયા બ્લોક સાથે જોડાયેલા પક્ષોના નેતાઓના ઘરોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
લોકસભામાં મહિલા અનામત બિલનો પરાજય થયો, અને સીમાંકન બિલ પણ પસાર થવામાં નિષ્ફળ ગયું. 17 એપ્રિલના રોજ લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકનને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. અંતે આ વિપક્ષ દ્વારા સમર્થન ના અપાતા મહિલા અનામત બિલ કાનૂન રીતે લાગુ થશે નહી. પીએમ મોદીના શાસન બાદ આ પહેલું બિલ હતું જે પસાર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ. શિસ્તબદ્ધ અને આયોજનપૂર્વક ચાલતો પક્ષ ભાજપ આખરે આ બિલમાં કયાં ફસાયો. પીએમ મોદીની સરકાર આ બિલ કેમ પસાર કરવામાં અસમર્થ રહી. લોકસભામાં એવું શું બન્યું કે મોદી સરકારની ગણતરીઓ ઉલટી પડી.
વિપક્ષની કવોટાની અંદર કવોટાની માંગ
વિપક્ષી પક્ષોએ પણ મહિલા અનામત ક્વોટામાં ખાસ ક્વોટાની માંગ કરી હતી. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ મહિલાઓ માટે અલગ અનામતની માંગ કરી હતી. જયારે કોંગ્રેસે 33% અનામતમાં OBC મહિલાઓ માટે અલગ ક્વોટા સ્થાપિત કરવામાં આવે અને તેને જાતિ વસ્તી ગણતરી સાથે જોડવામાં આવે તેવી માગ કરી હતી. જેને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી. વધુમાં, સરકારે OBC અનામતની માંગને પણ નકારી કાઢી હતી.
સત્તા જાળવી રાખવા કાવતરુ ઘડ્યું- પ્રિયંકા ગાંધી
શનિવાર (18 એપ્રિલ) ના રોજ એક પત્રકાર પરિષદ દરમિયાન, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારે સત્તા જાળવી રાખવા માટે કાવતરું ઘડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પોતે સંપૂર્ણપણે વાકેફ છે કે બિલ પસાર થશે નહીં. તેણીએ વધુમાં દાવો કર્યો હતો કે આ બિલ એક ગણતરીપૂર્વકના કાવતરાના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યું હતું: સરકારની વ્યૂહરચના એ હતી કે જો બિલ પસાર થાય, તો તેઓ રાષ્ટ્રની મહિલાઓ માટે તારણહાર તરીકે ઉભરી આવશે. તેનાથી વિપરીત, જો તે પસાર થવામાં નિષ્ફળ જાય, તો તેઓ વિપક્ષને મહિલા હિતોના વિરોધી તરીકે લેબલ કરશે.
તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે લોકસભામાં જે બન્યું તે બંધારણ, રાષ્ટ્ર અને વિપક્ષની એકતાનો વિજય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારનું કાવતરું નિષ્ફળ ગયું છે. તેમણે નોંધ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંનેએ અસરકારક રીતે સંદેશ આપ્યો હતો કે, “જો તમે આ સાથે સંમત ન થાઓ, તો તમે ક્યારેય જીતી શકશો નહીં.” તેમણે ટિપ્પણી કરી હતી કે આખી યોજના એક ગણતરીપૂર્વકના કાવતરાની જેમ ગોઠવાયેલી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે સરકાર મહિલાઓનું નામ લઈને સત્તા જાળવી રાખવા માંગે છે. વધુમાં કહ્યું કે જ્યારે વિપક્ષ એક થાય છે ત્યારે તેઓ કેવી રીતે હારનો સામનો કરે છે. તેમણે આને સરકાર માટે “કાળા દિવસ” તરીકે વર્ણવ્યું, કારણ કે તેમને નોંધપાત્ર આંચકો લાગ્યો હતો. વિપક્ષે સરકારના કાવતરાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો. તેમણે દલીલ કરી હતી કે બેઠકોની સંખ્યા વધારવાનો સરકારનો પ્રસ્તાવ ખોટી સલાહ આપવામાં આવી હતી.
આજે રાત્રે 8.30 વાગ્યે દેશને સંબોધન કરશે વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. સંભાવના છે કે PM મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર ન થઈ શકવા અંગે વાત કરી શકે છે.
આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મો સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. બિલ પર લોકસભામાં 21 કલાકની ચર્ચા બાદ મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતોથી પડી ગયું હતું.


