ગોંડલના રિસોર્ટમાં દિકરાના જન્મદિનની ઉજવણી કરવા ગયેલા પિતાનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત
નવાગામના યુવાનની લગ્ન વર્ષગાંઠ અને દિકરાના જન્મદિનની બેવડી ખૂશી માતમમાં ફેરવાય : બેભાન થઇ પડતા ડૂબી જતાં કાળ ભેટયો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના કાગવડ પાસે આવેલા હેવન રિસોર્ટમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પરિવાર સાથે રવિવારની રજા માણવા તથા દીકરાના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરવા ગયેલા 33 વર્ષીય યુવકનું અચાનક બેભાન થઈ ફસડાઈને સ્વિમિંગ પૂલમાં પડવાથી કરુણ મોત નીપજ્યું હતું. તેને CPR અપાયો પણ જીવ ન બચાવી શકાયો ન હતો. યુવકની સાથે થયેલી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ગોંડલના નવાગામના રહેવાસી અને ઓનલાઇન માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અજય ભાણજી રાઠોડ (ઉં.વ. 33) રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ પરિવાર સાથે પિકનિક માટે હેવન રિસોર્ટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે જ તેમના પુત્ર વિહાનનો જન્મદિવસ હતો અને રવિવારે અજયની મેરેજ એનિવર્સરી હોવાથી પરિવારમાં બેવડો ઉત્સાહ હતો.
બપોરે આશરે 1:00 વાગ્યાના સુમારે અજય તેના 9 વર્ષના પુત્ર સાથે સ્વિમિંગ પૂલમાં નહાઈને બહાર ઊભો હતો. આ દરમિયાન તે બેભાન અવસ્થા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્વિમિંગ પૂલ આસપાસ હાજર અન્ય લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢી CPR (કૃત્રિમ શ્વાસોશ્વાસ) આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક વીરપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
મૃતક અજયના પરિવારમાં માતા-પિતા, પત્ની, નાનો ભાઈ અને 9 વર્ષનો પુત્ર છે. ગઈકાલ સુધી જે ઘરમાં પુત્રના જન્મદિવસની ખુશીઓ હતી અને રવિવારે જે દંપતી પોતાની લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હતું, ત્યાં આ અચાનક આવેલી આફતથી સમગ્ર નવાગામ અને રાઠોડ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મૃતદેહને હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારબાદ સચોટ કારણ જાણવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.


