ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!: ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ
ત્રણ સિંહબાળની મસ્તી, , બે સિંહણ તેના બાલુડાના રખોપાં કરતી જોવા મળી
અગ્ર ગુજરાત, ઉના
સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ઉના પંથકમાં તો વનરાજ’ઘરઆંગણે’ દર્શન આપી રહ્યા છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલ ઝુડવડલી ગામની સીમ માં રાત્રિએ સિંહ પરિવારની અદભૂત મિજબાની માણી હતી
મિજબાની દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. પ્રથમ બે સિંહણ અને એક બાળકે મિજબાની માણી, ત્યાર બાદ સિંહણ બાજુ પર બેસી ગઈ અને બીજા બે બાળકને મારણ પર મોકલ્યા. જાણે માતા પોતાના સંતાનોને મારણ પર કેવી રીતે બેસવું અને કેવી રીતે આરોગવું તેના પાઠ ભણાવતી હોય તેવું પ્રતીત થતું હતું.બે સિંહણ તેના બાલુડાના રખોપાં કરતી વા મળી હતી. ભોજન દરમિયાન નજીકથી કોઈ અન્ય સિંહની ‘હૂક’ સંભળાતા જ સિંહણ તરત જ સાવધ થઈ ગઈ હતી.
મારણ પરથી ઉભા થઈને બંને સિંહણ દૂર બેસી ગઈ અને પોતાના બાલુડાઓની ચોકી કરતી જોવા મળી હતી.સિંહપ્રેમીઓનો જમાવડો થતા આ રોમાંચક દૃશ્યોની જાણ થતા જ આસપાસના સિંહપ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.લોકોએ કલાકો સુધી સિંહ પરિવારને નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ ગીર ગઢડાના સનવાવ ગામમાં પણ સિંહે ગાયનું મારણ કર્યું હતું, ત્યારે ઝુડવડલીમાં એક સાથે પાંચ સભ્યના પરિવારના દર્શન થતાં કુતૂહલ સર્જાયું છે.
ઝુડવડલીની સીમમાં બે સિંહણ અને તેમના ત્રણ સિંહ બાળે એક કદાવર ભેંસનું મારણ કર્યું હતું. રોડની બિલ કુલ નજીક બેસીને આ સિંહ પરિવાર કલાકો સુધી નિરાંતે મિજબાની માણતો જોવા મળ્યો હતો.મારણ મોટું હોવાથી હજુ બે દિવસ સુધી આ સિંહ પરિવાર આ જ વિસ્તારમાં રોકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોની માગ છે કે, વન વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે. જેથી ધરતીપુત્રો પોતાની વાડીએ નિર્ભયતાથી કામ કરવા જઈ શકે તે માટે વન વિભાગ પૂરતી તકેદારી રાખે. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ટળે અને બંનેની સલામતી જળવાઈ રહે તે જરૂરી છે
મધરાતે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી
ગીરગઢડા તાલુકાના જંગલ બોર્ડર પર આવેલા સનવાવ ગામમાં મોડી રાત્રે વનરાજોની હાજરીથી ગ્રામજનોમાં ફાળ પડી હતી. શિકારની શોધમાં જંગલમાંથી ભટકીને ગામમાં આવી ચઢેલી એક સિંહણે રહેણાક વિસ્તારમાં ગાયનું મારણ કરી કલાકો સુધી રોડ પર જ મિજબાની માણી હતી.
સિંહણે ગાયનો શિકાર કરવાની બહુ ટ્રાય કરી પણ મેળ ન પડ્યો
ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણે એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.


