રાજકોટમાં સમાજને અન્યાય થયાની રાવ સાથે મોરચો માંડ્યો
ટિકિટ કપાતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રઘુવંશી સમાજનો સંકલ્પ
માત્ર ત્રણ ટિકિટ મળી અને પુરૂષ ઉમેદવારોનો સમાવેશ નહીં થતા ભાજપ સામે લડી લેવાનો હુંકાર: ધારાસભ્યનો વિરોધ
નારાજ અઢી લાખ રઘુવંશીઓનો ‘NOTA’માં મતદાન કરવા સંકલ્પ: શપથ પત્રિકાનું વાંચન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યો છે. 18 એપ્રિલના રોજ ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ના નેજા હેઠળ યોજાયેલી એક સભામાં આક્ષેપ કરાયો હતો કે, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મુરતિયાઓની ટિકિટ કાપી છે.
સભામાં ‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’, ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં અમારો વોટ NOTA ને’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો આ અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઈતિહાસ રચશે. અંતમાં, ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવાના સોગંદ લીધા હતા.
રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. આ અન્યાય વિરુદ્ધ જ ‘રઘુવંશી સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરાયું છે. સમાજની તમામ સંસ્થાઓ અને વડીલોએ એકસૂરે નિર્ણય લીધો છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને મતદાન નહીં કરીએ.
કે. ડી. રઘુવંશીએ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ સામે રોષ ઠાલવતા કહ્યું કે, રઘુવંશી સમાજનો ગઢ ગણાતા વિસ્તારોમાંથી જાણીજોઈને ટિકિટો કાપવામાં આવી છે. તેમણે ધારાસભ્યને સીધી ચેતવણી આપતા કહ્યું, તમારા અહંકારના કિલ્લાને અમે ધૂળમાં મેળવી દઈશું. આ ગઢ અમારો છે અને અમે ગમે ત્યારે તેને જીતી લઈશું. આજે રઘુવંશી સમાજ જાગ્યો છે. પક્ષને પાછા વળવાનો સમય નહીં મળે.
ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ ગીતાના શ્લોકને ટાંકીને જણાવ્યું કે, હક્ક માટે લડવું અનિવાર્ય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું માત્ર ત્રણ મહિલા ઉમેદવારો અઢી લાખની રઘુવંશી વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકે? ત્યારબાદ સૌએ એક થઈને અન્યાય સામે લડત આપવા અને જાગૃતિપૂર્વક મતદાન કરવાની હાકલ કરી હતી.
રઘુવંશી સમાજની શથપ પત્રિકા
‘હું રઘુકુળનો વંશજ, આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી અને સંત શિરોમણી જલારામબાપા અને વીરપુરુષ લોહરગઢના અંતિમ રઘુવંશી રાજવી વીર રાણા જશરાજજીને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે…’ 1. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, મારા વોર્ડમાં જે પણ પક્ષનો રઘુવંશી ઉમેદવાર હશે, મારો અમૂલ્ય મત માત્ર તેને જ મળશે. 2. જે વોર્ડમાં રઘુવંશી સમાજની અવગણના કરીને આપણા ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી ત્યાં હું કોઈ પણ પક્ષના લોભ-લાલચમાં આવ્યા વગર ‘નોટા’ (NOTA)માં મતદાન કરીશ અને ભાજપની અન્યાયી નીતિનો વિરોધ કરીશ. 3. સમાજ સાથે દગો કરનારા અને અંગત સ્વાર્થ ખાતર રઘુવંશીઓની ટિકિટ કાપનારા દર્શિતાબહેન શાહ જેવા નેતાઓનું અભિમાન હું મારા મતાધિકારથી ચકનાચૂર કરીશ. 4. આ લડાઈ મારા સ્વાભિમાનની છે, મારા સમાજની છે અને હું મારા છેલ્લા શ્વાસ સુધી સમાજની એકતા સાથે ઊભો રહીશ. 5. આજે અહીં જે પણ રઘુવંશી પરિવાર કે વ્યક્તિ ઉપસ્થિત નથી, તેમને પણ હું સમાજની સાથે ઊભા રહેવા આહવાન કરું છું અને તેમને જાગૃત કરી આ લડાઈમાં જોડવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.


