અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો
બાઇક ભટકાવવા જેવી નજીવી બાબતે બબાલ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી શહેરમાં જાણે ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અમરેલી શહેરના બિનાકા ચોક વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક યુવક પર સરાજાહેર છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બિનાકા ચોકમાં આવેલી ડિલક્ષ પાનની દુકાન પાસે ઉભેલા સિરાજભાઇ કુરેશી નામના યુવક સાથે ત્રણ શખ્સોને બાઇક અથડાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સિરાજભાઇ પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકના ગુદાના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઇજાગ્રસ્ત સિરાજભાઇ કુરેશીને તાત્કાલિક હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


