પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો
પ્રધ્યુમનનગર પોલીસની સર્વેલન્સ ટીમે ગાંજો, મોબાઈલ સહિત 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. Say No To Drugs અભિયાન અંતર્ગત પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પોપટપરા વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ અને સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ અનુસંધાને પ્રધ્યુમનનગર પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી. મકવાણાની આગેવાનીમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પોપટપરા સ્મશાન સામે રોડ પર એક શખ્સ માદક પદાર્થ સાથે ફરતો જોવા મળ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ કરતાં તેની પાસે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બળદેવ ઉર્ફે બળીયો રાજેશભાઈ ફતેપરા (ઉં.વ. 35), રહે. પોપટપરા,ને ઝડપી પાડ્યો છે. આરોપી રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. તેની પાસેમાંથી 600 ગ્રામ ગાંજો તેમજ મોબાઈલ ફોન મળી કુલ અંદાજે રૂ.35 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં પો.સબ ઇન્સ્પેક્ટર જે.બી. રાણીંગા, એ.એસ.આઈ. રવીભાઈ વાઘેલા સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રધ્યુમનનગર પોલીસે આરોપી સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપી આ ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.


