ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક
સમાજના પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા ઘીના ઠામમાં અંતે ઘી પડયું : અન્યાય થયાની રાવ સાથે નોટાના શસ્ત્રની ચિમકી ઉચ્ચારતા ભાજપ સક્રિય થયું હતું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રાજકારણમાં હંમેશા ભાજપના મજબૂત સમર્થક તરીકે ઉભરી આવેલા સમસ્ત મોચી સમાજે પોતાની એકતા અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અવગણના થતાં સમાજમાં ફેલાયેલી નારાજગીને પગલે ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે. આ અજંપાભરી સ્થિતિનું સુખદ નિરાકરણ લાવવા માટે ગઇકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
જ્યારે સમાજના હિતની વાત આવે ત્યારે મોચી સમાજ કેટલો એકજૂથ છે તેનું જીવંત ઉદાહરણ કમલમ ખાતે જોવા મળ્યું હતું.વોર્ડ.1માં અંદાજે 17 હજારની વસ્તી ધરાવતા સમાજને ન્યાય ન મળતા લોકોએ શરૂઆતમાં મતદાન બહિષ્કાર અને ‘નોટા’ નો નિર્ણય લીધો હતો.જોકે, સમાજની આ સંગઠિત તાકાતને જોતા ભાજપના ઉચ્ચ નેતાઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.આ બેઠકમાં 400થી વધુ આગેવાનો અને કાર્યકરોનો વિશાળ કાફલો ઉમટી પડ્યો હતો, જેણે સમાજની એકતાનો પડઘો પાડ્યો હતો.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોચી સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. સમાજના આગેવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ટર્મથી સમાજ ટિકિટની આશા રાખી રહ્યો છે, છતાં વારંવાર અવગણના થતા સમાજ હાંસિયામાં ધકેલાઈ રહ્યો હોવાની લાગણી અનુભવે છે.માધવ દવેએ અત્યંત સંવેદનશીલતા પૂર્વક તમામ રજૂઆતો સાંભળી હતી અને ખાતરી આપી હતી કે, “મોચી સમાજના વિકાસ માટેના તમામ પ્રશ્નોને ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂ કરવામાં આવશે.ભાજપ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને મોચી સમાજની માંગણીઓનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે.”
આ રજૂઆતમાં રાજકોટ સમસ્ત મોચી સમાજના પ્રમુખ દિનેશ આર. ચાવડાએ નેતૃત્વ સંભાળ્યું હતું. તેમની સાથે નિલેશ વાઘેલા, વિપુલભાઈ કે. વાઢિયા, હાર્દિકભાઈ જે. ચૌહાણ, હર્ષદભાઈ મકવાણા, મિલનભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, બળવંતભાઈ ચૌહાણ, યોગેશભાઈ જાદવ, બિપિનભાઈ જેઠવા, સુરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ચાવડા,દિનેશભાઈ જેઠવા, લાલજીભાઈ ગોહેલ,અમિતભાઇ પરમાર. ભાવેશભાઈ જેઠવા,કમલેશભાઈ ચાવડા. રમાબેન વાઘેલા,કિન્નરીબેન ચૌહાણ,હસુભાઈ ચુડાસમા અને કુણાલભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમાજનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.આ બેઠકના અંતે સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.ટિકિટ ન મળવાનો અસંતોષ હવે વિકાસલક્ષી કાર્યોની ખાતરીમાં પરિવર્તિત થયો છે. મોચી સમાજે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં જો સંગઠન મજબૂત હોય, તો સરકાર અને પક્ષે પણ નોંધ લેવી પડે છે.


