જેતપુરમાં રામાપીરના ઉત્સવમાં ભીડનો લાભ લઈ સોનાના ચેઈન ચોરતી ટોળકી ઝડપાઈ
પોલીસે ૪ મહિલા અને ૨ પુરુષો સહિત કુલ ૭ ને દબોચ્યા: ₹૫.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં રામાપીરના સ્તંભારોપણ મહોત્સવ દરમિયાન ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાના ચેઈન ચોરતી ટોળકીને જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં ચાર મહિલા અને બે પુરુષો સહિત ચોરીનો માલ રાખનાર રાજકોટના એક સોની વેપારીની ધરપકડ કરી કુલ ₹૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગત તારીખ ૧૩/૦૪/૨૦૨૬ના રોજ જેતપુરના નવાગઢ, બળદેવધાર વિસ્તારમાં રામાપીરના મંદિરના સ્તંભારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતી વખતે એક મહિલા ફરીયાદીને જાણ થઈ કે તેમના ગળામાં રહેલ ૩૦ ગ્રામનો સોનાનો ચેઈન (કિંતમ રૂ. ૩,૦૦,૦૦૦/-) ગુમ છે. તપાસ કરતા અન્ય એક મહિલાનો પણ ૧૦ ગ્રામનો સોનાનો ચેઈન અને પેન્ડલ (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-) ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એલ.સી.બી. પી.આઈ. શ્રી વી.વી. ઓડેદરા અને ઉદ્યોગનગર પી.આઈ. એસ.એચ. શર્માની ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી (CCTV) ફૂટેજ અને મેળાના વીડિયોગ્રાફીની ઝીણવટભરી તપાસમાં કેટલીક મહિલાઓ શંકાસ્પદ જણાઈ હતી. તપાસ દરમિયાન એલ.સી.બી પોલીસ અને ઉદ્યોગનગર પોલીસના સર્વેલન્સ સ્ટાફ ને સયુંક્ત હકીકત મળી હતી કે જેતપુર-જૂનો દેરડી રોડ પરથી એક ઈકો કાર અને રીક્ષા સાથે શંકાસ્પદ ઊભા છે પોલીસે હકીકતના આધારે સ્થળપર દરોડો પાડી એક ઈકો કાર અને રીક્ષા સાથે ઉભેલા ચાર મહિલાઓ અને બે પુરુષોને રાઉન્ડઅપ કર્યા હતા.
પોલીસની કડક પૂછપરછમાં આ ટોળકીએ ચોરીની કબૂલાત કરી આપી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ૧. દિનેશ ઉર્ફે દિલો સામતભાઈ સોલંકી (રહે. ગોંડલ), ૨. રમેશ ઉર્ફે જેરામ બાબુભાઈ ચુડાસમા (રહે. રાજકોટ), ૩. દૈયાબેન રમેશભાઈ ચુડાસમા (રહે. રાજકોટ), ૪. શાંતિબેન કિશોરભાઈ સોલંકી (રહે. પોરબંદર), ૫. વિજયાબેન ઉર્ફે વિજુબેન દિનેશભાઈ સોલંકી (રહે. ગોંડલ), ૬. કિરણબેન જયભાઈ સોલંકી (રહે. ગોંડલ) આરોપીએ કબૂલાત આપી હતી કે ચોરેલા ચેઈન પૈકી એક ચેન રાજકોટના એક સોની વેપારી આશિષ જિતેન્દ્રભાઈ જોષી ને વેચ્યા હોવાનું જણાવતા પોલીસે તે વેપારીની પણ ધરપકડ કરી સોનાનો ઢાળીયો કબજે કર્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી ₹૩,૦૦,૦૦૦/- ની કિંમતની ઈકો કાર, ₹૭૦,૦૦૦/- ની રીક્ષા, ૧૬.૮૫૦ ગ્રામ સોનાનો ઢાળીયો (કિંમત ₹૨,૦૦,૦૦૦/-), ₹૨૫,૫૦૦/- રોકડા અને ચોરીમાં વપરાતી ૪ નંગ બ્લેડ મળી કુલ ૫.૯૫.૫૦૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ ટોળકીના અન્ય બે સભ્યો હજુ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


