આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
કોઇપણ સંકલ્પ પાછળ અહંકાર હોય છે, મનોરથમાં અહંકાર નથી હોતો
કથા રસ અને સંવેદના પ્રગટાવવાનું અવતાર કાર્ય કરે છે
ગુરૂ દિક્ષા જ નથી આપતો, શ્રધ્ધા આપે છે
તીર્થસિધ્ધ-તપ અને ત્યાગની ભૂમિ પાલિતાણાની દિવ્ય-ચેતનમય-શુધ્ધ ધરા પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ શિવસંકલ્પ’ ગઇકાલે ચોથા દિવસના પડાવ પર પહોંચી હતી. કથા પૂર્વે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ વ્યાસપીઠની વંદના કરી હતી. પ્રિય બાપુએ પ્રસાદરૂપે શાલ અર્પણ કરી ડૉ.મનસુખભાઇનું અભિવાદન કર્યુ હતું. પ્રારંભે મંત્રીએ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. ત્યારબાદ સગાપરાધારના બ્રહ્મલીન વિજયગીરીબાપુ વિશે તથા તેમના જીવન-કવન વિશેનું પુસ્તક ‘અગોચરના દશારા’ (સં.વસંત બારોટ)નું લોકાર્પણ બાપુ તથા ડૉ.મનસુખભાઇના વરદ હસ્તે થયું હતું.
કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે એક શ્રોતાએ પૂછયું છે કે બાપુ શિવ સંકલ્પ અને મનોરથ બંનેનો અર્થ એક જ છે કે જુદો-જુદો! જવાબ : બંને અલગ છે. આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ. મારા વ્હાલા વૈષ્ણવો, આપણે સંકલ્પ ન પાળી શકીએ પણ મનોરથ રાખી શકીએ કેમ કે મનોરથ પૂરો થાય તો ઠીક છે અને મનોરથ પૂરો ન થાય તો હરિ ઇચ્છા. પ્રતિજ્ઞા પણ આપણાથી નહી પળાય એના કરતા મનોરથ સેવવો રામની પ્રાપ્તિ માટે વિશ્વામિત્ર એ સંકલ્પ નથી કર્યો, મનોરથ કર્યો છે. માનસ-રામાયણમાં એવા ઘણાય પાત્રો છે. જેમણે મનોરથો સેવ્યા છે. અમને રાજા જેવો દિકરો મળે એ મનુ-શતરૂપાનો મનોરથ છે. ભરતજીના મનમાં ચિત્રકૂટ-અયોધ્યામાં કેટકેટલા મનોરથ ભર્યા છે. કોઇપણ સંકલ્પ પાછળ અહંકાર હોય છે જયારે મનોરથમાં અહંકાર નથી. વૈષ્ણવી દીનતાથી ભરેલા મનોરથ ઇશ્વર પોતે પૂરા કરે છે. વિભિષણ મનોરથ કરતો-કરતો રામની પાસે આવે છે.
શાસ્ત્રો સમજવા માટે એક બીજુ શાસ્ત્ર હોય છે એ છે મિમાંસા-શાસ્ત્ર ગુરૂમુખ સિવાય નથી સમજતા માનસમાં સંકલ્પ લેનારા ચરિત્રો ઘણા છે. પ્રથમ તો તુલસીદાસનો સંકલ્પ છે કે માનસને ભાષાબધ્ધ કરે, બીજો શિવજીનો સંકલ્પ, ત્રીજો સતીનો સંકલ્પ એ જ રીતે ક્રમમાં જઇએ તો ભગવાન વિષ્ણુનો સંકલ્પ, મનુ-શતરૂપાનો સંકલ્પ, વિશ્વામિત્રનો સંકલ્પ, જનકપુરની સ્ત્રીઓનો સંકલ્પ, સીતાજીનો સંકલ્પ, વિભિષણનો સંકલ્પ, એક વિશેષ અંગદનો સંકલ્પ અને છેલ્લે કાગભૂસુરીજીનો સંકલ્પ એક મંત્ર બોલુ છું જે તમે સૌ પણ બોલજો, અસ્તિત્વને લાગે કે કથામંડપ પાઠશાળા થઇ ગઇ છે.
ગુરોર ધિતા ખીલ વૈદ: વિદ્ય:
પિયુષપાણી:, કુશલ, ક્રિયાષુગત સ્પૃહો
ધૈર્ય ધર: દયાલુ: શૃધ્ધોધિકારી
ભિષગીદસ: સ્થાત…
અર્થાત આ ત્રણના સંકલ્પો પૂર્ણ થાય જ. ઇશ્વર પણ એના સંકલ્પો પૂરા કરવા માટે તત્પર છે. (૧) વૈદ્યનો સંકલ્પ (૨) વેદસ્વરૂપ હોય એનો સંકલ્પ અને (3) વેદ પુરૂષ હોય એનો સંકલ્પ. આ ત્રણના સંકલ્પ પરમાત્માએ પૂરા કરવા પડે છે.
પાંડુરંગદાદા એક વાર્તા કહેતા: રામપૂરના નરેશ એક વખત બિમાર પડયા. એનો કંઠ બંધ થઇ ગયો, બોલી ન્હોતા શકતા. દુનિયાભરના વૈદો બોલાવ્યા, પરદેશથી પણ વૈદ આવ્યા પણ કોઇ કસા કોઇ નિદાન ન કરી શકયા! એટલે એ સમયના પ્રસિધ્ધ વૈદરાજ લીલાધર ભટ્ટને બોલાવ્યા, બીજા બધા વૈદો લીલાધરની ઇર્ષા કરે એમને થયું કે અમે કોઇ રામપુરના નરેશનો ઇલાજ નથી કરી શકયા તો લીલાધર ભટ્ટજી શું ઇલાજ કરવાના? લીલાધર ભટ્ટ આવે છે. રાજાને તપાસે છે, પછી કહે દવા ખાઇને રોગ મટાડવો છે કે દવા બતાવીને રોગ મટાડવો છે? બધાં કહે દવા બતાવીને કેવી રીતે રોગ મટી શકે? લીલાધર ભટ્ટજી કહે એ તો મારે જોવાનું છે ને? બધાએ કહ્યું કે હા, ભટ્ટજી દવા બતાવીને રોગ મટાડો! એટલે વૈદરાજે કહ્યું કે એક ડઝન લીંબુ લાવો, લીંબુ આવ્યા. ભટ્ટજીએ રાજાની સામે એક-એક લીંબુ કાપ્યા. લીંબુનો રસ જોઇને રાજાનો કંઠ ખુલી ગયો! એમ અમે કથાકારો આ લીંબુ કાપીને તમને સૌને રસ દેખાડવાનું કર્મ કરીએ છીએ કે જેથી તમને રસ જાગે!
કથારત્નો
(૧) માનવીઓના દુ:ખનું મૂળ કારણે ‘તૃષ્ણા’ છે-ભગવાન વૃધ્ધ
(૨) અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે…
(3) ગુરૂ એ છે જે શિષ્યને નાનો ન થવા દે – જય વસાવડા
(૪) હોંશિયારીની ગાંસડીઓ તું સૌને બંધવજે છેતરાજે સમજવા છતાં તું એકલો – કાગબાપુ
(૫) સમાજ હજુ સુધી સાધુના પડછાયા જ સુધી પહોંચ્યો છે, સાધુના મૂળ બીંબ સુધી કયાં પહોંચ્યો છે?
(૬) કંઠ વૈકુંઠને સોંપી દેવો તો વાંધો ને આવે!
(૭) માનસ સદગ્રંથ એ ચોપડી નથી, તુલસીજીની ખોડી છે


