સોશ્યલ મીડિયાથી વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગના બે શખ્સો ઝડપાયા
પ્રેમજાળમાં ફસાવી બાદમાં પોલીસ સ્ટેશને ધમકી આપી લાખો રૂપિયા પડાવતા હતા : જેતપુર પોલીસની કાર્યવાહી
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય અને જુનાગઢ જિલ્લામાં સક્રિય એવી હનીટ્રેપ ગેંગનો જેતપુર સીટી પોલીસે પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પ્રેમજાળમાં ફસાવી, બાદમાં પોલીસ કેસની ધમકી આપી લાખો રૂપિયા પડાવતી આ ટોળકીના બે મુખ્ય આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
આ ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત શાતિર હતી. ગેંગમાં સામેલ યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક કરી તેઓને વાતોમાં ભોળવતી હતી. ત્યારબાદ તેઓને મળવા માટે બોલાવવામાં આવતા હતા. જેવું ભોગ બનનાર વ્યક્તિ યુવતીને મળવા પહોંચે, કે તરત જ યુવતીના સાથીદારો ત્યાં ધસી આવતા અને પોતે યુવતીના ભાઈ કે પતિ હોવાની ખોટી ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, કેસ ન કરવાના બદલામાં મોટી રકમની માંગણી કરતા હતા.
જેતપુર સીટી પોલીસ પીઆઈ એ.ડી. પરમાર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આશીષ જયસુખભાઇ વેકરીયા (રહે. ધારી, જી. અમરેલી), રોહીત વીરજીભાઇ રાઠોડ (રહે. મવડી પ્લોટ, રાજકોટ)ની ધરપકડ કરી છે આ ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે શખ્સો પ્રિયંકા ઉર્ફે પીયે ગીનોયા (રહે. ખરેડી) અને નીલેશ ચૌહાણ (રહે. કાથરોટા) ને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ છેલ્લા ૧૫ મહિનામાં મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓ, વાંકાનેરના વેપારીઓ અને રાજકોટના કારખાનેદારોને ગોંડલ, જેતપુર અને ખોડલધામ કાગવડ જેવા સ્થળોએ બોલાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યા હતા.
ઝડપાયેલ આરોપી આશીષ વેકરીયા વિરુદ્ધ અગાઉ ભેસાણ અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પણ ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૨,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.


