દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
પ્રસન્ન રહેવું હોય તો ભીતરી ભજનમાં રોકાયેલા રહેવું
દોષથી મુકત થવાય પણ દુ:ખ તો ભોગવવું જ પડે, દુ:ખનો નાશ નથી થતો
શરણાગતિ માટેનું સૂત્ર છે : વિશ્વાસ, વિશ્વાસ હરિ ઇચ્છાનું ફળ છે
હરિ ઇચ્છા ભાવી બલવાના
હૃદય બિચારત સંભુ સુજાના
તબ સંકર પ્રભુ પદ સિરૂ નાવા
સુમિરત રામુ હૃદય અસ આવા
એહિ તન સતિહિ ભેટ મોહિ નાહી
સિવ સંકલ્પુ કીન્દુ મન માહી
- બાલકાંડ
અધ્યાત્મની અનેકાનેક ધારાઓથી પ્લાવિત અને અનેક પ્રગટ-અપ્રગટ દિવ્ય ચેતનાઓના વાતાવરણમાં પાલિતાણામાં પ્રવાહિત થયેલી રામકથા માનસ શિવ સંકલ્પનું ગઇકાલે રવિવારે સ્નેહસભર સમાપન થયું હતું. રામ ચરિત માનસના બાલકાંડ-સોપાનની .પરોકત પંકિતઓનું રામકથાના મુખ્ય વિષય તરીકે નવ દિવસીય ગાન-અનુષ્ઠાન થયું હતું.
આઠમા દિવસ-શનિવારની કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે સંકલ્પ સાથે હંમેશા વિકલ્પ આવે છે અને સંકલ્પ સાથે આપણું મન જોડાયેલું છે. મનથી મુકત થઇએ તો જ સંકલ્પ સાર્થક. ઓશો એક વાત કહેતાં. ભગવાન બૃધ્ધ દસ હજાર ભિખ્યુઓને સંબોધન કરે છે. બૃધ્ધ ભગવાનના હાથમાં એક રૂમાલ હતો. એ ભીખ્ખુઓની સામે દર્શાવ્યો. પછી રૂમાલમાં પાંચ ગાઠો પાડી. (ભગવાન બૃધ્ધનું આ પ્રેકટિકલ પ્રવચન હતું) પછી રૂમાલ ખેંચ્યો. એટલે પાંચ ગાઠો ખૂબ મજબૂત થઇ ગઇ છે.
મનની સંકલ્પ-વિકલ્પની ગાંઠો છૂટી જાય તો મન ખૂબ ઉપયોગી છે. પણ મનમાં ખૂબ ગાંઠો પડી છે એટલે મન વિરૂપ થયું છે. મનવિકૃત થયું છે. ગાંઠો છૂટે તો મન છે અ-મન થઇ જાય. મનની પાંચ ગ્રંથિઓ છે (૧) પૂર્વગ્રહની ગ્રંથિ (૨) લઘુતાગ્રંથિ-ઉદાસ-ડિપ્રેસ (3) જડ-ચેતન વચ્ચેની ગ્રંથી-ગાંઠ (૪) મડાગાંઠ આપણા સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો શબ્દ છે મડાગાંઠ અને (૫) હૃદયગ્રંથી.
ગઇકાલે રવિવારે કથાના સમાપન દિવસનો પ્રેમસંવાદ આગળ વધારતા ઉપસંહારરૂપ સંવાદ કરતાં પ્રિય બાપુએ કહ્યું કે રામાયણનો અર્થ થાય છે. અયન એટલે કે યાત્રા. રામાયણમાં મુખ્ય ત્રણ યાત્રાઓ છે. (૧) રામની યાત્રા અયોધ્યાથી જનકપુર સુધીની (૨) ભરતની યાત્રા-અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની અને (3) હનુમાનજીની યાત્રા-સંપતિથી અશોકવાટિકા સુધીની. આ જગતમાં હરિ ઇચ્છા બળવાન છે અને હરિ ઇચ્છા માટેનું સૂત્ર છે. શરણાગતિ એ શરણાગતિ વિશ્વાસથી આવે છે. વિશ્વાસ એ હરિ ઇચ્છાનું ફળ છે. શિવના સંકલ્પો પૂર્ણ થાય છે પણ રાવણના સંકલ્પો પૂરા થતાં નથી, એ શિવભકત હોવા છતાં એના સંકલ્પો એના પોતાના હતાં. જગત કલ્યાણનાં ન્હોતા એટલે એ શિવ સંકલ્પ નથી. રાવણના પાંચ સંકલ્પો હતાં. જે પૂરા નથી થયાં. ૧) અમે કોઇના માર્યા મરીએ નહી, વાનર-મનુષ્ય સિવાય કોઇ અમને મારી ન શકે (૨) લક્ષ્મણજીને રાવણ અંતિમ સમયે કહે છે કે મારે દરિયાને મીઠો બનાવવાનો સંકલ્પ હતો, પોતાનો સ્વભાવ મીઠો ન્હોતો, કડવો હતો. એ સ્વભાવ પણ મીઠો કરી ન શકયો. (3) રાવણને ચંદ્રમાં રહેવું કલંક દૂર કરવું હતું (૪) રાવણનો સંકલ્પ હતો કે સ્વર્ગમાં જવા માટેની સીડી બનાવવી હતી અને (૫) સ્વર્ગનું અમૃત ઝૂંટવીને એને લંકાની પ્રજાને અમૃતપાન કરાવવું હતું પણ રાવણના સંકલ્પો એ પૂરા ન કરી શકયો!!!
કથારત્નો
(૧) હૃદયગ્રંથી હરિનામના આશ્રયથી ઓગળે છે
(૨) રામકથા આપણને ‘કળ’ આપ છે, આવી આપે છે, બળ કરવાની જરૂર નથી
(3) રાવણ મન ગ્રંથિઓથી પીડિત છે
(૪) આપણી પૂર્વગ્રહની ગ્રંથિ બીજાની શ્રેષ્ઠતા, આપણાથી આગળ નીકળી ગયાને જોઇ શકતી નથી!
(૫) મન ઇશ્વરની વિભૂતિ છે…. ભગવાન મહાવીરનું એક નામ નિગ્રંથ છે.


