ઓડિટ હિસાબો જમા નહી કરનાર શાળાઓની ગ્રાન્ટ-પગાર અટકાવાશે
અમદાવાદમાં ૧૫3 ગ્રાન્ટેડ શાળાઓને ફટકારાઇ ફાઇનલ નોટીસ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ શહેરની 153 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) વચ્ચે હિસાબોના ઓડિટને લઈને મોટો ગજગ્રાહ શરૂ થયો છે. DEO દ્વારા 2022-23 અને તે પહેલાના વર્ષોના નાણાકીય હિસાબો રજૂ ન કરનાર શાળાઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ જો નિયત સમયમાં ઓડિટ રિપોર્ટ જમા નહીં થાય તો નિભાવ ગ્રાન્ટ અને સ્ટાફના પગારની ગ્રાન્ટ અટકાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અનેક શાળાઓએ વર્ષોથી સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો યોગ્ય હિસાબ આપ્યો નથી.. જેના જવાબમાં હવે 7 મે થી 30 મે દરમિયાન રાયખડ ખાતે સ્પેશિયલ ઓડિટ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, શાળા સંચાલક મંડળ આ મામલે લડી લેવાના મૂડમાં છે. સંચાલકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સંચાલક મંડળે ચેતવણી આપી છે કે જો ગ્રાન્ટ મુદ્દે શાળાઓને દબાણ કરવામાં આવશે અથવા ગ્રાન્ટ રોકવામાં આવશે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરશે. સંચાલકોનું કહેવું છે કે અગાઉના કોર્ટના નિર્દેશો મુજબ ગ્રાન્ટ રોકી શકાય નહીં.


