લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા
જીએસટી કેસ દબાવવા 25 લાખની માંગણી, 20 લાખમાં સેટિંગ ; એસીબીની સફળ ટ્રેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમના વચેટિયાને ₹20 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આ કેસે શહેરમાં લાંચખોરીના વધતા દોર પર ફરીથી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક વિરુદ્ધ CGST કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવાના આક્ષેપો સાથે અરજી નોંધાઈ હતી. આ અરજીને આધારે મોટો કેસ નોંધાય તેવી શક્યતા હતી. આરોપી સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે આ પરિસ્થિતિનો લાભ લઈ કેસ ન નોંધાય તે માટે ₹25 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી અને અધિકારી વચ્ચે થયેલી વાતચીત બાદ રકમ ₹20 લાખ પર નક્કી થઈ હતી. આ રકમ સીધી ન લઈ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશ કલોલીયા મારફતે સ્વીકારવાની યોજના બનાવવામાં આવી હતી, જે સમગ્ર ગેરકાયદેસર વ્યવહારનો વચેટિયો બન્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. માહિતીના આધારે એસીબીની ટીમે ગત દિવસે રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પ્લેક્ષમાં ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આકાશ કલોલીયાએ મુકેશકુમારના વતી ફરીયાદી પાસેથી ₹20 લાખની લાંચ સ્વીકારી હતી. રૂપિયા હાથમાં લેતા જ એસીબીની ટીમે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. અને સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી એસીબી રાજકોટ શહેરના પીઆઈ એ.એ. ખોખરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. ટીમમાં પી.એ. દેકાવાડિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ સમગ્ર ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
આ પહેલો બનાવ નથી. અગાઉ પણ CGST વિભાગના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. થોડા સમય પહેલા એક ઇન્સ્પેક્ટરે ખાનગી કંપનીના જીએસટી નંબર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. તે જ રીતે, એક યુવાન જે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતો હતો, તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ CGST ઇન્સ્પેક્ટરે ₹5 હજારની લાંચ માગી હતી અને રેસકોર્સ વિસ્તારમાં લાંચ લેતા એસીબીએ તેને ઝડપી લીધો હતો. આ તમામ બનાવો દર્શાવે છે કે નાનીથી મોટી દરેક સ્તરે લાંચખોરીનો વ્યાપ વધતો જાય છે. આ કેસમાં ફરિયાદી દ્વારા હિંમતપૂર્વક એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો, જેના કારણે મોટી કાર્યવાહી શક્ય બની. જો વધુ નાગરિકો આવી રીતે આગળ આવી ફરિયાદ કરે તો ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવી શકાય છે. રાજકોટમાં થયેલી આ ટ્રેપ કામગીરી ભ્રષ્ટાચાર સામે એક મજબૂત સંદેશ આપે છે કે કાયદો દરેક માટે સમાન છે. જોકે, આવી ઘટનાઓને અટકાવવા માટે માત્ર ટ્રેપ પૂરતો નથી, પરંતુ તંત્રમાં પારદર્શિતા અને કડક દેખરેખ જરૂરી છે. આગામી સમયમાં આવા કેસોમાં ઝડપી કાર્યવાહી અને કડક સજા થવી જોઈએ જેથી લાંચખોરીના દોરને અટકાવી શકાય અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ફરીથી મજબૂત બને.


