કોળી સમાજની ૧૫ દિકરીઓ રવિવારે પ્રભુતામાં પગલા પાડશે
કરિયાવરમાં ૧૦૧થી વધુ વસ્તુઓ અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટઃ શહેરના આંગણે સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ – રાજકોટ દ્વારા સતત બીજા વર્ષે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સમસ્ત કોળી સમાજની ૧૫ દીકરીઓ માટે ભવ્ય શાહી જાગરમાન સમૂહલગ્નનું આયોજન આગામી તા.૩ મે, રવિવારના રોજ આજી ડેમ ચોકડી પાસે આવેલા લક્કીરાજ પાર્ટી પ્લોટ ખાતે આ મંગલમય પ્રસંગ યોજાશે.
આ સમૂહલગ્નને યાદગાર બનાવવા માટે આયોજકો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દીકરીઓ માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા તેમજ વર-કન્યાની રજવાડી એન્ટ્રી રાખવામાં આવી છે. વર-કન્યાને રથમાં બેસાડી ફૂલેકું કાઢવામાં આવશે અને ડી.જે.ના તાલે લગ્ન મંડપમાં લાવવામાં આવશે. આ પ્રસંગે ખાસ કેક સેરેમનીનું પણ આયોજન કરાયું છે.
નવદંપતીઓ પોતાનું નવું જીવન સુખરૂપ શરૂ કરી શકે તે માટે દાતાઓના સહયોગથી કરિયાવરમાં ઘરવપરાશની ૧૦૧થી વધુ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમુહલગ્નમાં સાધુ-સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, ડોક્ટરો, વકીલો, નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકિયા, અમિતભાઈ ધોળકિયા, બાબુભાઈ વસવેલીયા, શૈલેષભાઈ માલમ, પ્રવિણભાઈ અબાસણીયા તેમજ મહિલા સંગઠન અને સહ-આયોજક ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે મો.૭૯૮૪૫ ૯૪૪૨૪નો સં૫ર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


