ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન
કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં સફાઈ કામદારોનું શોષણ થતું હોવાની રજૂઆત
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી નગરપાલિકાના સફાઈ કામદારોએ ધોરાજી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા અને સફાઈ કામદારોનો પગાર સીધો નગરપાલિકા દ્વારા કરવા માટે માગણી ઉચ્ચારી ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસરને આવેલા પત્ર પાઠવ્યું હતું.
ધોરાજી ખાતે સફાઈ કર્મીઓ સમસ્ત વાલ્મિકી સમાજ ધોરાજી સફાઈ કામદારો દ્વારા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કામદારોનું શોષણ વધી જાય છે અગાઉ પણ કોન્ટ્રાક્ટ અપાયેલ ત્યારે આ પ્રકારની વિગતો સામે આવી હતી આ ઉપરાંત આકસ્મિક મૃત્યુ સમયે પણ કશું વળતર આપવામાં આવતું નથી.
હાલમાં નગરપાલિકા દ્વારા દસ લાખ રૂપિયા નો સફાઈ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને રદ કરી સફાઈ કામદાર રોજમદારનું રોજ નગરપાલિકા સીધું જ તેમને ચૂકવી આપે તે પ્રકારે માગણી ઉચ્ચારી હતી.
આ ઉપરાંત જણાવેલ કે સમસ્ત વાલ્મિકી સમાજ સફાઈ કામદારોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી 2 તારીખથી ધોરાજીમાં સફાઈની કામગીરી સફાઈ કર્મીઓ દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવશે અને ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન પર ઉતરવા ફરજ પડશે.
આમ ધોરાજી નગરપાલિકામાં ફરી એક વખત સફાઈને લઈ અને સફાઈના કોન્ટ્રાક્ટરને લઈ મડાગાંઠ સર્જાણી છે. ધોરાજીમાં રોડ રસ્તાની હાલાકી હોય કે પછી પાણી વિતરણની અવ્યવસ્થા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ફરી એક વખત સફાઈને લઈ નવી સમસ્યા સર્જાવા ની શક્યતા ઉભી થઈ રહી છે.


