વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે વતન ગુજરાતની મુલાકાતે
સોમનાથ-વડોદરામાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ : તા.૧૧-૧૨મીએ ગાંધીનગરમાં BRICS દેશો સાથે હાઇ લેવલની બેઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના સુચારૂ આયોજન માટે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બે મહત્વની બેઠકો યોજવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પ્રોજેક્ટ્સ અને વડોદરામાં યોજાનાર સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રથમ બેઠક સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે યોજાઈ હતી. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેથી તેમના હસ્તે કેટલાક નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કે લોકાર્પણની શક્યતાઓને પગલે આયોજનલક્ષી ચર્ચા કરાઈ હતી. યાત્રાધામના વિકાસ અને મુસાફરોની સુવિધાઓ વધારવા અંગેના કામોને વેગ આપવા સૂચના અપાઈ હતી.
બીજી મહત્વની બેઠક વડોદરામાં નિર્મિત ‘સરદાર ધામ’ના લોકાર્પણ સંદર્ભે મળી હતી. આ બેઠકમાં સરદાર ધામના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે આ સંકુલનું લોકાર્પણ થવાનું હોવાથી કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ અને કાર્યક્રમની ભવ્યતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત ગુજરાત ટૂંક સમયમાં વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરની લીલા હોટલ ખાતે BRICS દેશોની હાઈ લેવલ બેઠક યોજાવાની શક્યતા છે. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી ચર્ચા બાદ આ આંતરરાષ્ટ્રીય બેઠક ગાંધીનગરમાં મળવા જઈ રહી છે.
આ કાર્યક્રમમાં 11 મે, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી પણ સંભવિત છે, જે આ બેઠકને વિશેષ મહત્વ આપશે. દિલ્હી બાદ હવે ગુજરાતની રાજધાનીમાં આવી હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવા જઈ રહી હોવાથી રાજ્યની વૈશ્વિક રાજદ્વારી ઓળખને વધુ મજબૂતી મળશે.
આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક પોલિસી ડાયરેકશન, આર્થિક સહકાર, નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને ભવિષ્યની વિકાસ નીતિ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારત હાલમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. ખાસ કરીને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ દેશો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવશે.
રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ આંતરરાષ્ટ્રીય બેઠકને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમ વિના વિઘ્ને સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના સ્વાગત તેમજ હોસ્પિટાલિટી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક ગાંધીનગર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.


