ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું
હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપીની ગેરકાયદે મિલકત જમીનદોસ્ત કરતું તંત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આજે એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલા ગામે રહેતા અને અનેક શરીરસબંધી ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર અલીમામદ તૈયબભાઈ શેઠા દ્વારા સરકારી જમીન પર ખડકાયેલું અંદાજે ₹1 કરોડની કિંમતનું ગેરકાયદે આલીશાન રહેણાંક મકાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગત તા. 30/03/2026ના રોજ પડવલા ગામના રહેવાસી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાના મોટર સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પ્રાથમિક શાળા પાસે આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા, તેનો પુત્ર નોમાન અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ થાર ફોરવ્હીલ ગાડી વડે ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ બેઝબોલના ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે ભાયાવદર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનાની ગંભીરતા જોઈ રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જરની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં કાવતરું ઘડનારા અને વોચ રાખનારા કુલ 6 આરોપીઓને અટક કર્યા છે, જેમાં નોમાન ઉર્ફે ધારાગઢી શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો જેડા, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા, શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે.
મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાથી, પોલીસે તેની મિલકતોની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ પર આશરે 300 ચોરસ વાર સરકારી જમીન પર ₹1 કરોડના ખર્ચે આલીશાન મકાન તાણી બાંધ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા, આજે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ દબાણ દુર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
અલીમામદ શેઠા વિરુદ્ધ ભાણવડ, જામજોધપુર, ભાયાવદર અને લાલપુર પોલીસ મથકોમાં હત્યા (302), હત્યાની કોશિશ (307), આર્મ્સ એક્ટ, બળાત્કાર અને અપહરણ જેવા કુલ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે આ શખ્સ અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસને જાણ કરવી, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.


