રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
ફિલ્મી ઢબે અપહરણ અને હત્યાની ઘટનાથી ચકચાર : ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણમાં એક અત્યંત કરુણ ધટના બની હતી. રાજુલા તાલુકાના નિંગાળા-૧ ગામ પાસે નેશનલ હાઇવે પર ફિલ્મી ઢબે યુવકનુ અપહરણ અને હત્યાની ધટના પ્રકાશમાં આવી છે. પ્રેમ સંબંધને લઇને ખાર રાખીને યુવકનું નવ શખ્સોએ અપહરણ કર્યું હતું. અને આ દરમિયાન વચ્ચે પડેલા યુવકની નિર્દોષ માતા પર કાર ચડાવી દઈ તેમની ક્રૂર હત્યાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ૩ મહિલા સહિત ૭ આરોપીઓને દબોચી લીધા છે. આ બનાવ અંગે રાજુલાના નિંગાળા-૧ ગામના ભાવેશ ભગવાનભાઇ ભીલ ઉ.વ.૨૫ દ્વારા યોગેશભાઇ બાબુભાઇ મકવાણા,રોહિત બટુકભાઇ મકવાણા, મહેશ ભાયાભાઇ સોલંકી, જ્યોતિબેન બાબુભાઇ મકવાણા, કાજલબેન બટુકભાઇ મકવાણા, જાનુબેન મકવાણા, હિતેશ બટુકભાઇ મકવાણા, બટુકભાઇ ડાયાભાઇ મકવાણા તથા હિતેશના કાકા કમલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ ભાવેશ ભીલને પોતાની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર ન હતો. અને તે વાતનું યુવતીના પરિવારજનોને મનદુઃખ હતું. ગતરોજ કૈલાસ તેના ઘરેથી રાજુલા આવવાં માટે નિકળી હતી. ભાવેશ અને તેની માતા જીતુબેન ભીલ રાજુલા તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર પીપાવાવ પોર્ટ ચોકડી પાસે બાલક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે શખ્સોએ ફોર વ્હીલર કારમાં આવી ભાવેશનું અપહરણ કર્યું હતું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૫૦ વર્ષીય માતા જીતુબેન ભીલ પર શખ્સોએ કાર માથે ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે જીતુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભાવેશનું અપહરણ કરી તેને માર માર્યો હતો. સમગ્ર ધટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. આ ઘટના પગલે મરીન પીપાવાવ પોલીસ ટીમ ધટના સ્થળે પહોંચી હતી. મરીન પોલીસે ૯ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. પોલીસે યોગેશ મકવાણા, રોહિત મકવાણા, હિતેશ મકવાણા, મહેશ સોલંકી, જ્યોતિબેન મકવાણા, કાજલબેન મકવાણા અને ભાનુબેન મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. મરીન પીપાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.


