ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
ટ્રાફિક સમસ્યા નિવારવા સ્થળ પર આપ્યા સૂચન : ટાવર ચોક પાસે ગટરની કામગીરીનું નિરીક્ષણ, વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે તંત્રને તાકીદ
અગ્ર ગુજરાત, ઉના
શહેરમાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. જે અંતર્ગત ઉનાના લોકપ્રિય અને સક્રિય ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડે શહેરના ટાવર ચોક વિસ્તારની મુલાકાત લઈ ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી.
ટાવર ચોક પાસે હાલ ગટર લાઈનની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડે સ્થળ પર પહોંચી ચાલી રહેલી ગટરની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કામ ગીરી ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ગટરની કામગીરી શરૂ હોવાના કારણે ટાવર ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ બાબત ધ્યાને આવતા જ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પોતે તાત્કાલિક સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે રૂબરૂ ટ્રાફિક સમસ્યાનો તાગ મેળવી વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્રને તાકીદ કરી હતી. ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા, ડાયવર્ઝનના યોગ્ય બોર્ડ લગાવવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમના હસ્તક્ષેપથી ગણતરીની મિનિટોમાં જ ટ્રાફિક પૂર્વવત અને સરળ બન્યો હતો.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું કે, “ઉના શહેરના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વિકાસના કામો દરમિયાન પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે તેની અમે સંપૂર્ણ કાળજી રાખીશું. ટાવર ચોકની ગટરની કામગીરી શહેર માટે ખૂબ જરૂરી છે અને તે ઝડપથી પૂર્ણ થશે.” સ્થળ પર ઉપસ્થિત નગરજનોએ ધારાસભ્યની ત્વરિત કાર્યવાહી અને સંવેદનશીલતાને બિરદાવી હતી.


