બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
બાલાજી હોલ સામે સર્જાયો હિટ એન્ડ રન જેવો બનાવ : 3 ઇજાગ્રસ્તોમાં મહિલાની હાલત ગંભીર, લોકોએ ચાલકને ઝડપી મેથીપાક ચખાડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ તથા ટ્વીન સ્ટાર બિલ્ડિંગ સામે આજે બપોરના સમયે એક બેફામ વેગે દોડી રહેલી વોલ્વો કારએ આતંક મચાવ્યો હતો. અતિઝડપે આવી રહેલી કારના ચાલકે એક પછી એક અનેક વાહનોને અડફેટે લીધા બાદ કાબૂ ગુમાવતા કાર BRTS કોરિડોરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બનાવને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક બેફામ ઝડપે વાહન હંકારતો હોવાનું સામે આવ્યું છે.


