મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત
૧3થી વધારે મુસાફરોને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયા: બનાવનું કારણ જાણવા પોલીસની તપાસ
અગ્ર ગુજરાત, મહેસાણા
મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.જ્યારે 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. તે સમયે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ સીધી રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
ટ્રક ચાલક તુલસીરામે બનાવની આપવીતી જણાવતા કહ્યું હતું કે, “અમે અમારી લેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી લક્ઝરી બસ રોંગ સાઈડમાં આવી ગઈ હતી. કદાચ બસના ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી ગયું હોય તેમ જણાય છે. બસ સાવ નજીક આવી જતાં અમે ટ્રકને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જો સીધી ટક્કર થઈ હોત તો અમારો જીવ બચવો પણ મુશ્કેલ હતો.”
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ અને રાહદારીઓએ તાત્કાલિક બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


