રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન
યદુનંદન ટીમ વિજેતા : ટ્રોફિ અને રોકડ રકમ સહિતના ઇનામોનું વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રમતગમત પ્રેમીઓ માટે આયોજિત થયેલી શાનદાર ‘રાજકોટ પ્રીમિયર લીગ’ (RPL) બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું રવિવારે મોડી રાત્રે અત્યંત રોમાંચક વાતાવરણમાં સમાપન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ ક્રિકેટ મહોત્સવમાં શહેરની નામી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઈનલ જંગમાં શ્રી યદુનંદન એ શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પર પોતાનું નામ કોતરાવ્યું છે.
ટુર્નામેન્ટની અંતિમ મેચ શ્રી યદુનંદન અને ન્યારી હિલ્સ વચ્ચે રમાઈ હતી. રસાકસીભરી આ મેચમાં શ્રી યદુનંદન ના ખેલાડીઓએ બેટિંગ અને ફિલ્ડિંગ બંનેમાં પોતાનું કૌશલ્ય બતાવી વિરોધી ટીમને હાર આપી હતી. વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી અને રોકડ પુરસ્કાર ₹૨૦,૦૦૦ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ પ્રીમિયર લીગના આયોજક સમિતિએ જણાવ્યું હતું કે, “રાજકોટના યુવાઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ટીમોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને આગામી સમયમાં પણ અમે આવા મોટા આયોજનો કરતા રહીશું.” સમાપન સમારોહમાં શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને પ્રોત્સાહિત કરી હતી.


