રાજકોટમાં 18 મે ના રોજ ટ્રાફિક બ્રિગેડ ભરતી યોજાશે
પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ભરતી પ્રક્રિયા યોજાશે, 18 થી 35 વર્ષની વયના ઉમેદવારોને તક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોની ભરતી જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાંથી પોલીસ વિભાગ સાથે જોડાઈને સેવા આપવા ઇચ્છુક યુવાનો માટે આ ઉત્તમ તક ગણાઈ રહી છે.
આ ભરતી પ્રક્રિયા તા. 18 મે 2026ના રોજ સવારે 7:00 કલાકે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ તમામ અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ નકલો સાથે હાજર રહેવાનું રહેશે.
ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછું 9 પાસ શૈક્ષણિક લાયકાત જરૂરી રાખવામાં આવી છે. મહિલા ઉમેદવાર માટે ઓછામાં ઓછી ઊંચાઈ 5 ફૂટ તથા પુરુષ ઉમેદવાર માટે 5 ફૂટ 5 ઇંચ નક્કી કરવામાં આવી છે. શારીરિક કસોટી અંતર્ગત મહિલા ઉમેદવારને 400 મીટર દોડ 2.5 મિનિટમાં અને પુરુષ ઉમેદવારને 800 મીટર દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ અને સપ્રમાણ વજન ધરાવતા હોવા જરૂરી રહેશે. રાજકોટ શહેર અને જિલ્લાના રહીશો ભરતીમાં ભાગ લઈ શકશે. ઉપરાંત ઉમેદવાર સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ તેવી શરત પણ રાખવામાં આવી છે.


