ચોમાસાના સંકેત મળતા અસહ્ય ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
મે મહિનામાં ૧૪ દિવસ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ રહ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે. હવામાન વિભાગ મુજબ આગામી છ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમા છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજ્યના તાપમાનની વાત કરીએ તો, સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં નોંધાયુ હતું. અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ કંડલા એરપોર્ટ પર 43.6 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબરે સૌથી ગરમ શહેર રહ્યું હતું.
સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદમાં આકરી ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે હીટવેવ, એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન અને વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તા.1થી 17 મે દરમિયાનના 17 દિવસમાંથી 11 દિવસ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ નોંધાયો છે. ખાસ કરીને 11થી 13 મે દરમિયાન સતત ત્રણ દિવસ તાપમાન 44 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણ આકરું રહ્યું છે. તા. 4, 5 અને 6 મેના ત્રણ દિવસને બાદ કરતાં, 17માંથી 14 દિવસ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું છે.


