રાજુલા: ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ
ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને પત્ર લખી કરી રજૂઆત,
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા તાલુકાના જૂની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે , હાલ ઉનાળું અને શીયાળુ સીઝન પૂર્ણ થતાં ખેડૂતોને ખેતીના ચોમાસાની સિઝનના આગોતરા આયોજન માટે ખેતીના વિવિધ કામોમાં વ્યસ્ત બન્યા છે. ટ્રેક્ટર, રોટાવેટર તેમજ અન્ય ખેતી સાધનો માટે ડીઝલની સતત જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને તેમના ખેતીના કામો સમયસર પૂર્ણ કરવા માટે ડીઝલ જરૂરી હોવા છતાં ઘણી જગ્યાએ ડીઝલની અછત હોવાને કારણે ખેતી કામો અટકી પડ્યા છે. જેના કારણે ખેડૂતોને વારંવાર પેટ્રોલ પંપો પર ધક્કાઓ ખાઇ રહ્યા છે. કેટલાક ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતાં ખેતીના કામો અટવાઈ જવાની પણ સ્થિતિ સર્જાઇ છે. વધુમાં જણાવેલ કે, હાલ ખેતી માટેનો સમય મહત્વનો હોવાથી ડીઝલની અછત હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. જો સમયસર ડીઝલ મળી રહે તો ખેડૂતોને સરળતાથી ખેતી કામો થઇ શકે તેમ છે. જેથી પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ ડિઝલનો જથ્થો રાખી ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર રજૂઆત કરી છે.


