યુદ્ધની આંચ હવે દવાઓ સુધી પહોંચી
પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર
384 જીવનરક્ષક દવાઓના ભાવ વધારાની તૈયારી
પશ્ચિમ એશિયા યુદ્ધથી કાચો માલ 300% મોંઘો, સરકાર ‘ઈમરજન્સી ભાવવધારા’ને આપી શકે લીલી ઝંડી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
પેટ્રોલ-ડિઝલ, ગેસ અને દૂધ બાદ હવે સામાન્ય માણસને વધુ એક મોટો આર્થિક ઝટકો લાગી શકે છે. પશ્ચિમ એશિયામાં ભડકેલા યુદ્ધની અસર હવે સીધી ભારતના દવા બજાર પર દેખાવા લાગી છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક અને જીવનરક્ષક દવાઓના ભાવમાં એક વખતનો ‘ઈમરજન્સી વધારો’ મંજૂર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
દવા ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રો મુજબ યુદ્ધના કારણે અનેક કેમિકલ્સ અને કાચા માલના ભાવમાં 200થી 300 ટકા સુધીનો જંગી વધારો થયો છે. સાથે જ પેકેજિંગ મટિરિયલ, શિપિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ભારે વધી જતા દવા કંપનીઓ પર ઉત્પાદન ખર્ચનો મોટો બોજો આવી પડ્યો છે.
આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ ઓથોરિટી (NPPA), ફાર્માસ્યુટીકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. સરકાર ભાવવધારાને કાયમી નહીં પરંતુ અસ્થાયી રાખવાની તૈયારીમાં હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય બનતા વધારેલા ભાવ પાછા ખેંચી લેવાશે તેવી સંભાવના છે.
પ્રસ્તાવિત યાદીમાં એન્ટીબાયોટિક્સ, હૃદયરોગની દવાઓ, પેઇનકિલર્સ, સ્ટેરોઈડ્સ અને વિટામીન જેવી દવાઓનો સમાવેશ થાય છે. જેમાં એમોક્સિસિલિન, એઝિથ્રોમાઇસીન, એમ્લોડિપાઈન, એટોરવાસ્ટેટિન, પેરાસિટામોલ અને ડેકસામેથાસોન જેવી દવાઓ સામેલ હોવાનું કહેવાય છે. બીજી તરફ ભારતીય ફાર્મા ઉદ્યોગ હાલમાં બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાતી કાચો માલ મોંઘો બન્યો છે, જ્યારે વૈશ્વિક મંદીના કારણે દવાઓની નિકાસ માંગ ઘટી રહી છે. સરકારી આંકડા મુજબ માર્ચ 2026માં ભારતની ફાર્મા નિકાસ 23.2 ટકા ઘટીને 2.83 અબજ ડોલર રહી હતી.
દર્દીઓ પર ડબલ માર
પેટ્રોલ, ગેસ અને દૂધ બાદ હવે દવાઓ પણ મોંઘી થવાની આશંકાએ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને દર મહિને વધુ ખર્ચ સહન કરવો પડી શકે છે. આરોગ્ય ખર્ચમાં વધારો હવે ઘરેલુ બજેટને હચમચાવી શકે છે.
300 ટકા સુધી વધ્યો કાચો માલ
દવા ઉદ્યોગના જણાવ્યા મુજબ યુદ્ધના કારણે આયાત થતા રસાયણો અને એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સના ભાવમાં 200થી 300 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આ વધારાની સીધી અસર દવાઓના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે. કંપનીઓ હવે સરકાર પાસે ભાવ વધારાની મંજૂરી માગી રહી છે.
સરકાર ‘ટેમ્પરરી’ રાહત મોડમાં
કેન્દ્ર સરકાર દવાઓના ભાવમાં કાયમી નહીં પરંતુ અસ્થાયી વધારો કરવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા આવ્યા બાદ વધારેલા ભાવ પાછા ખેંચી લેવાશે તેવી ચર્ચા છે. દર્દીઓમાં ભય ઓછો કરવા સરકાર ‘ઈમરજન્સી’ શબ્દ પર ભાર મૂકી રહી છે.
જીવનરક્ષક દવાઓ પણ થશે મોંઘી
પ્રસ્તાવિત યાદીમાં એન્ટીબાયોટિક્સ, હાર્ટની દવાઓ, સ્ટેરોઈડ્સ અને પેઇનકિલર્સનો સમાવેશ થાય છે. એટલે કે સામાન્ય તાવથી લઈને ગંભીર બીમારીઓ સુધીની સારવાર હવે ખર્ચાળ બની શકે છે. પેરાસિટામોલ જેવી સામાન્ય દવા પણ અસરથી બચી નહીં શકે.
રૂપિયો નબળો, ફાર્મા ઉદ્યોગ પર બોજો
ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા આયાતી કાચા માલની કિંમત વધી ગઈ છે. ફાર્મા કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે. ઉદ્યોગનું કહેવું છે કે હાલની સ્થિતિમાં ભાવવધારો વગર ઉત્પાદન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે.
નિકાસમાં મોટો ધબડકો
ભારતની ફાર્મા નિકાસમાં 23.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્ચ 2026માં નિકાસ 2.83 અબજ ડોલર રહી, જ્યારે ગયા વર્ષે તે 3.68 અબજ ડોલર હતી. વૈશ્વિક મંદી અને ઘટતી માંગનો સીધો ફટકો ભારતીય દવા ઉદ્યોગને વાગી રહ્યો છે.
પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ પણ મોંઘા
ફક્ત કાચો માલ જ નહીં પરંતુ પેકેજિંગ સામગ્રી અને પરિવહન ખર્ચ પણ ભારે વધ્યો છે. શિપિંગ રૂટમાં વિક્ષેપ અને ઈંધણના વધતા ભાવને કારણે દવા કંપનીઓના ખર્ચમાં મોટો વધારો થયો છે. આખરે તેનો ભાર ગ્રાહકો પર આવી શકે છે.
NPPAની મહત્વની બેઠકઓ શરૂ
દવાઓના ભાવ વધારા મુદ્દે NPPA, ફાર્માસ્યુટીકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સરકાર એક એવું મોડેલ લાવવા માગે છે જેમાં ઉદ્યોગને રાહત મળે અને દર્દીઓ પર ઓછો બોજ પડે. આગામી દિવસોમાં મોટો નિર્ણય આવી શકે છે.
મધ્યમવર્ગ માટે ચિંતાજનક સંકેત
હાલમાં જ ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવમાં વધારો થયો છે, ત્યારે હવે દવાઓ મોંઘી થવાની શક્યતાએ મધ્યમવર્ગની મુશ્કેલી વધારી છે. ઘરનું માસિક બજેટ વધુ ખોરવાઈ શકે છે. આરોગ્ય ખર્ચ હવે મોટો આર્થિક પડકાર બની રહ્યો છે.
યુદ્ધની વૈશ્વિક અસર ભારત સુધી
પશ્ચિમ એશિયાનું યુદ્ધ હવે માત્ર રાજકીય મુદ્દો નથી રહ્યું, તેની સીધી અસર ભારતના બજાર અને સામાન્ય જનજીવન પર દેખાઈ રહી છે. ઇંધણ બાદ હવે દવાઓના ભાવમાં વધારો થવાની શક્યતા દર્શાવે છે કે વૈશ્વિક સંકટનો ઘેરો પ્રભાવ ભારતીય અર્થતંત્ર પર પડી રહ્યો છે.
2008 ની મંદી જેવી પરિસ્થિતિનો ડર
2008 માં લેહમેન બ્રધર્સના પતન બાદ વિશ્વ આર્થિક મંદીમાં ફસાયું હતું. હાલની સ્થિતિમાં ઊંચા તેલભાવ, ઘટતી માંગ અને નાણાકીય અસુરક્ષાને કારણે તેવો જ ભય ઉભો થયો છે. જોકે નિષ્ણાતો કહે છે કે આજનું અર્થતંત્ર પહેલાં કરતા વધુ મજબૂત છે, છતાં લાંબી કટોકટી ખતરનાક સાબિત થઈ શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે ચેતવણી
હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેશે તો વૈશ્વિક તેલ ભંડાર ઝડપથી ઘટશે અને સપ્લાય ચેઇન પર અસર પડશે. પરિણામે ફુગાવો, ધીમી આર્થિક વૃદ્ધિ અને રોજગાર પર અસર જોવા મળી શકે છે. વિશ્લેષકોના મત મુજબ યુદ્ધ અને ઊર્જા સંકટનું સંયોજન સમગ્ર વિશ્વ માટે મોટી આર્થિક ચેતવણી સમાન છે.


