રાજકોટમાં પ્રથમ આધાર સેવા કેન્દ્રનો શુભારંભ
લોકોને ઘર આંગણે જ તમામ સુવિધાઓ મળી રહેશે : આધારકાર્ડ અપગ્રેડેશન સહિતના વિવિધ પ્રશ્નોનું એક જ સ્થળેથી અરજદારોને નિરાકરણ મળી રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકાર દ્વારા રાજકોટમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના લોકાર્પણ પ્રસંગે આવેલા લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના આધાર કાર્ડ નું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું હતું. જોકે તેમાં તેમના ફિંગર જ મેચ થઈ રહ્યા ન હતા. અનેક વખત પ્રયાસ ટ્રાય કર્યા બાદ તેમના ફિંગર મેચ થયા હતા. આ સુવિધા શરૂ થતા લોકોને ઘર આંગણે જ સુવિધા મળી રહેશે.
આ કાર્યક્રમ દરમિયાન રૂપાલા એકલા એક કારમાં આવ્યા હતા. તેમની નજીકના એવા કોર્પોરેટર મનીષ ભટ્ટ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ, રાજકોટ દક્ષિણ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયા અને શહેર પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર તમામ અલગ અલગ કારમાં આવતા આશ્ચર્ય જનમ્યું હતુ.
રાજકોટ શહેરમાં પ્રથમ આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે, લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા જણાવ્યું હતું કે, રાજકોટમાં આધાર સંબંધીત લોકોના કોઈ પ્રશ્નો હોય તો તે ઘર આંગણે જ મળી રહે તે માટે આધાર સેવા કેન્દ્રનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે બદલ શુભકામના પાઠવું છું. ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે આધાર કાર્ડની જરૂરિયાત થઈ ગઈ છે. આધાર કાર્ડ નાગરિકોને રોજબરોજના કામકાજમાં ઉપયોગમાં આવતું થઈ ગયું છે. જેમાં આધારકાર્ડ નવું બનાવવા, નવું બનાવવા તેમજ અન્ય કોઈ અપગ્રેડેશન કરવા માટેના પ્રશ્નો અંગે હવે આ કેન્દ્રના માધ્યમથી શરૂ થઈ શકશે તેવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ આધારકાર્ડ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને વિનંતી કરું છું કે લોકોના પ્રશ્નોને સમજી તેને ઉકેલવામાં મદદરૂપ થાય.
ઇંધણ બાબતે લોકોની મુશ્કેલી ઓછી કરવા પ્રયાસ : રૂપાલા
પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તેમણે જણાવ્યું કે બહારથી આવતા મુસાફરો પેટ્રોલ અને ડીઝલના અભાવે અટકી પડ્યા છે. ને જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે. ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય પ્રશ્ન ન આવે એટલા માટે સુચના આપી છે. ગઈકાલે એક એવો કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો કે, બહારથી આવેલા મુસાફરો ડીઝલ ન મળતા અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ તેમની મદદ કરીને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે વર્તમાન પરિસ્થિતિમાં આવતીકાલે શું થશે તેવા ભયને કારણે લોકો અકળામણથી લાઈનો લગાવવામાં ન જોડાઈએ. પેટ્રોલ અને ડીઝલનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેનો સંયમ પૂર્વક ઉપયોગ કરીએ તેવી એક નમ્ર અપીલ છે.
રજા વગર સવારે ૯:3૦થી સાંજના પ:3૦ સુધી કેન્દ્ર કાર્યરત રહેશે
શહેરના ઢેબર રોડ ઉપર શ્રમજીવી કોમ્યુનિટી હોલની બાજુમાં પ્રગતિ પ્લાઝા ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. જે દરરોજ ચાલુ રહેશે એટલે કે સોમવારથી રવિવાર સુધી કાર્યરત રહેશે. જેમાં એક પણ દિવસની રજા નહીં હોય. આ કેન્દ્ર દરરોજ સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં બપોરે 1.30 થી 2 વાગ્યા સુધી રિશેષ રહેશે.


