ઉપલેટા નગરપાલિકામાં ૧૭.૫ કરોડના કામમાં વોર્ડ ૯ ને સંપુર્ણ બાકાત રખાતા વિરોધ
વોર્ડ નં.૯ સાથે થયેલા અન્યાય મુદ્દે અવાજ ઉઠાવવા જતા સ્થાનિક તંત્રની મદદથી અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના યુવા અને સક્રિય સદસ્ય તેમજ AIMIM પાર્ટીના શહેર પ્રમુખ ઇમરાનમિયા પીરઝાદાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર સત્તા તંત્રની ભેદભાવભરી નીતિ સામે આ વોર્ડના લોકો માટે અવાજ ઉઠાવનાર અને હક માંગનારનો અવાજ ઉઠાવનારનો અવાજ ઉઠાવવા બદલ, લોકશાહી ઢબે થતા વિરોધને દબાવવાના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્ય ન જઈ શકે તે માટે તંત્ર દ્વારા પોલીસ નો ઉપયોગ કરી તેમને રોકવા અને દબાવવાના પ્રયત્નો કરાયા હોવાના આક્ષેપ લાગ્યા છે જેમાં અન્યાય કરનારા લોકોએ પોલીસનો ઉપયોગ કરી દબાવવા ડરાવવાનો પ્રયત્ન કર્યો છે તેવો આક્ષેપ તેમણે કર્યો છે.
આ સમગ્ર વિવાદનું મૂળ ઉપલેટા નગરપાલિકા દ્વારા ગ્રાન્ટ ફાળવણીમાં આચરવામાં આવેલી સ્પષ્ટ કિન્નાખોરી છે તેવું જણાવ્યું છે. સદસ્ય ઇમરાનમિયા દ્વારા જણાવ્યા અનુસાર, તાજેતરમાં નગરપાલિકાના જનરલ બોર્ડમાં ૧૭.૫ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર ૧ થી ૮ માં કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ, આશ્ચર્યજનક રીતે વોર્ડ નંબર ૯ ને સંપૂર્ણપણે બાકાત રાખીને એક રૂપિયાની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જે સ્થાનિક નાગરિકો સાથેનો સીધો અન્યાય છે.
આ ગંભીર અન્યાય અંગે વોર્ડ નંબર નવ ના લોકો સાથે થયેલા અન્યાય અમનવીય વર્તન અને નિર્ણય સામે તેમજ ભેદભાવને લઈને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ અગાઉથી જ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો ન હતો ત્યારે આ દરમિયાન, ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય અને તંત્રની ઉપસ્થિતિમાં એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂબરૂ જઈને ઇમરાનમિયા સવાલો પૂછવા અને પોતાના વિસ્તારના હક માટે રજૂઆત કરવાના હતા. જોકે, તંત્રની કામગીરીની પોલ ખુલી જવાની બીકથી તેમને કાર્યક્રમમાં જતા રોકવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરી અગાઉથી જ તેમની અટકાયત કરી લીધી હતી.
અટકાયત બાદ પણ જનતાના પ્રતિનિધિ તરીકે મક્કમતા દર્શાવતા ઇમરાનમિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખોટી રીતે પોલીસ કે તંત્રના કોઈ દબાણ કે બીકથી ડરવાના નથી. વોર્ડ નંબર ૯ ના લોકોના હક, વિસ્તારના વિકાસ અને સ્થાનિક બાળકોના ભવિષ્ય માટે તેમની આ લડત કોઈ પણ ભોગે ચાલુ રહેશે. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ ગમે તે પગલાં લેવાય, પરંતુ જનતા માટેનો અવાજ બુલંદ રહેશે તેવું જણાવ્યું છે.


