ગુજરાતના ભવિષ્ય યુવાધનને બરબાદ કરવાનું કારસ્તાન
કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મુદ્રા તરફ આવી રહેલા ‘યુરોપ’ નામના કાર્ગોશીપમાંથી ૧૧૮ કિલો કોકેઇન મળ્યુ, બ્રાઝિલથી લોડ કરાયું હતું
ત્રણ આરોપીની ધરપકડ, એક દરિયામાં કૂદી પડતા શોધખોળ, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું ઓપરેશન
મુંદ્રાથી દિલ્હીમાં ડિલીવરી કરવાની હતી, ૬ પેકેટમાંથી એક પેકેટ દરિયામાં ફેંકી દીધાની આશંકા
અગ્ર ગુજરાત, કચ્છ
ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી દીધો છે. મુંદ્રા તરફ આવી રહેલા ‘યુરોપ’નામના કાર્ગોશીપમાં કોકેઈનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શીપ પરથી 118 કિલો કોકેઈન મળી આવ્યું છે. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મુંદ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝીલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝીલથી નીકળેલું આ શીપ ચાર દેશ ફરીને મુંદ્રા પોર્ટ પહોંચ્યું હતું. શીપમાંથી નાની બોટ મારફત આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી ‘યુરોપ’નામના કાર્ગોશીપમાંથી 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થવા જાય છે.
ATSએ જ્યારે શીપ પર તપાસ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસે ડ્રગ્સના કૂલ 6 પેક હતા જેમાંથી 5 મળી આવ્યા છે. જેથી એક પેક દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા હોય તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન અને એક એપલનું ટેબ પણ કબજે કરવામાં આવ્યું છે.
આ બાબતે જ્યારે ડીજીપીને સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને આ જથ્થો ડિલિવર કરવાનો હતો. જેને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હીથી આ જથ્થો કોને અને ક્યાં સપ્લાય થવાનો હતો તેની તપાસ કરવા માટે જે આરોપીઓ ઝડપાયા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઝડપાયેલા ઓરીપોના નામ જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો) કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો) બ્યારુહંગા જેમ્સ ( દિલ્હીથી પકડાયો)
બ્રાઝીલથી ડ્રગ્સ ચાર દેશ થઈને મુંદ્રા પહોંચ્યું
તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંદ્રામાં ‘યુરોપ’નામના કાર્ગોશીપ પર બ્રાઝીલમાં કોકેઈનનો જથ્થો લોડ કરાયો હતો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, USA અને કરાંચી થઈને મુંદ્રા આવી રહ્યું હતું.
ફરી બિનવારસુ પેકેટ મળ્યા
કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ભારે સતર્ક બની છે.
વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કોંગ્રેસનો સક્રિય કાર્યકર મેહુલ નલિન મકવાણા છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે રૂ. 6 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


