ચોમાસાથી શિયાળા સુધી કચ્છ-સૌરાષ્ટ્રની ધરતી ધણધણશે
3 થી ૪ની તીવ્રતાના આંચકા આવતાની શકયતા : કચ્છ યુનિવર્સિટીના જીયોલોજિસ્ટ અને ટીમ દ્વારા સંશોધનમાં કરાયેલો દાવો
અગ્ર ગુજરાત, કચ્છ
ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં આ વર્ષે ભૂકંપના આંચકાઓમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાથી લઈને શિયાળાની ઋતુ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહેશે તેવું વૈજ્ઞાનિક અનુમાન અને આંકલન કરવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટીના જીયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણ અને તેમની સંશોધન ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ આ સમયગાળા દરમિયાન 3 થી 4 ની તીવ્રતાના આંચકા અનુભવાઈ શકે છે, જેને લઈને સ્થાનિક તંત્ર અને લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોમાસું શરૂ થતાની સાથે જ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓની આવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ એક સાથે 10 થી 12 જેટલા હળવા આંચકા નોંધાયા હતા, જે સંશોધકો માટે ચર્ચાનો વિષય બન્યા હતા. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાઓને ‘રિઝર્વોઇર ઇન્ડ્યુસ્ડ સિસ્મિસિટી’ એટલે કે જળાશય પ્રેરિત ભૂકંપ કહેવામાં આવે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે જમીનમાં પાણી ઉતરે છે અને ભૂગર્ભમાં રહેલા પથ્થરો કે ટેકટોનિક પ્લેટો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જેના કારણે આ પ્રકારના આંચકાઓ વારંવાર આવતા હોય છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો 26 જાન્યુઆરી 2001 ના રોજ આવેલો વિનાશક ભૂકંપ પણ ઠંડીના મહિનાઓમાં જ આવ્યો હતો, જે આ પ્રક્રિયાનું જ એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભૌગોલિક વિસ્તારોમાં આ પ્રકારે પાણી જમીનમાં ઉતરવાથી ભૂકંપ આવવાની શક્યતાઓ સૌથી વધુ રહેતી હોય છે. આ વર્ષે મોનસૂનમાં વરસાદની મોડી શરૂઆત થઈ હોવાના કારણે જમીનની અંદર પાણી ઉતરવાની પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે, જેના પરિણામે આગામી દિવસોમાં શિયાળા સુધી ભૂકંપના આંચકાઓ નોંધાતા રહેવાનું નિષ્ણાતો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.
કચ્છ સંવેદનશીલ વિસ્તાર
કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગ દ્વારા સતત આંકલન અને સર્ચિંગ કરીને આ વિશે માહિતી બહાર લાવવામાં આવી છે. કચ્છ જિલ્લો અત્યંત સંવેદનશીલ ઝોન 5 માં આવેલો હોવાથી અહીં નાના-મોટા આંચકાઓનું આવવું સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ વર્ષે તેની આવૃત્તિ વધી શકે છે. જીયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણ અને તેમની ટીમનું સ્પષ્ટ માનવું છે કે મોનસૂનથી લઈને વિન્ટરની આખી સિઝન દરમિયાન આંચકાઓ નોંધાતા રહેશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ અફવાથી દૂર રહીને હંમેશાં જાગૃત અને સાવચેત રહેવું ખૂબ જ આવશ્યક છે.


