રાજકોટમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ ; પોલીસના અલગ અલગ દરોડા
2320 બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા, બામણબોર ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપી ત્રણ શખ્સો ઝબ્બે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી તથા સપ્લાય ચેઇન સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં દારૂની રેલમછેલ વધે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચ, માલવીયાનગર પોલીસ અને એરપોર્ટ પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કરોડોના ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે કુલ પાંચ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની હજારો બોટલો, બિયરના ટીન, કાર અને મોબાઇલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ દારૂ સપ્લાય કરતા મુખ્ય બુટલેગરો અને નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહીકા ગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી. ડોડીયા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, રાહુલભાઈ ગોહેલ, દિપકભાઈ ચૌહાણ અને રાજેશભાઈ જળુને ચોક્કસ બાતમી મળી હતી કે મહીકા ગામ ખાતે રાજખોડલ સોસાયટી ગેટ નં.1 પાછળ ખુલ્લી જગ્યામાં એક શખ્સ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં હાજર શખ્સને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાનું નામ સંજય સુરેશ જીંજરીયા (ઉ.વ.33) હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર રાખવામાં આવેલી પ્લાસ્ટિકની અલગ અલગ કોથળીઓની તપાસ કરવામાં આવતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1920 બોટલો મળી આવી હતી.
પોલીસે અંદાજે રૂ.2.53 લાખ કિંમતનો દારૂ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો માંડાડુંગર વિસ્તારમાં રહેતા વિપુલ મકવાણા નામના બુટલેગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. વિપુલ મકવાણા રાત્રિના સમયે પીકઅપ વાહનમાં દારૂ ઉતારી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ પોલીસે ફરાર સપ્લાયર વિપુલ મકવાણાની શોધખોળ શરૂ કરી છે.
બીજી તરફ માલવીયાનગર પોલીસે પણ ગોંડલ રોડ વિસ્તારમાં દારૂના જથ્થા અંગે મળેલી બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલાની રાહબરી હેઠળ પીએસઆઇ પી.વી. ડોડીયા અને હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ચાવડાને માહિતી મળી હતી કે આંબેડકરનગર શેરી નં.14 ખાતે નાગરાજ પાનની દુકાન સામે રહેતા અલ્પેશ મકવાણાના મકાનમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. પોલીસે મકાન પર દરોડો પાડતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની 495 દારૂની બોટલો અને 277 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયર મળી કુલ અંદાજે રૂ.1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી અલ્પેશ જગજીવન મકવાણાને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને રાજકોટ શહેર કે આસપાસના વિસ્તારોમાં કોને સપ્લાય થવાનો હતો. પોલીસે સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમોને કામે લગાડી છે.
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર પણ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવી જ એક કાર્યવાહીમાં બામણબોર ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ હતી. આ કેસમાં સુરત ફાયર વિભાગના કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ તરેટિયાની રાહબરી હેઠળ પોલીસ ટીમ ગઇકાલે એરપોર્ટ વિસ્તારમાં મોકડ્રીલ બંદોબસ્ત પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. તે દરમિયાન ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સોહીલભાઈ ચૌહાણ અને કોન્સ્ટેબલ જોગેશભાઈ ઠાકરીયા બામણબોર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ કરતા પાછળની સીટ તથા ડેકીમાં રાખેલા પુઠાના બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 132 બોટલો મળી આવી હતી. ત્યારબાદ કારમાં સવાર ત્રણેય શખ્સોને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સોમાં ભાયલાલ પરશોતમ વાઘેલા (ઉ.વ.33), જે સુરત ફાયર વિભાગમાં વર્ગ-4ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેનો સમાવેશ થાય છે. ઉપરાંત નીતેશ પ્રેમજી બગડા (ઉ.વ.24) અને મહેશ ઉર્ફે મનીષ પરશોતમ પરમાર (ઉ.વ.25)ને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ વિરનગરના એક બુટલેગર પાસેથી દારૂનો જથ્થો ભર્યો હોવાનું અને રાજકોટ તેમજ શાપર વિસ્તારમાં સપ્લાય કરવા માટે નીકળ્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે તેઓ દારૂનો જથ્થો પહોંચાડે તે પહેલાં જ બામણબોર ચેકપોસ્ટ પર પોલીસે તેમને ઝડપી લીધા હતા.
આ તમામ કાર્યવાહી બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી પાછળ કાર્યરત મોટા નેટવર્ક અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અલગ અલગ કેસોમાં સપ્લાયર, રીસીવર અને બુટલેગર ચેઇનના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછનો સહારો લઈ રહી છે. રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં દારૂની હેરાફેરી, સ્ટોકિંગ અને સપ્લાય કરતા તત્વો સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. સતત દરોડા અને ચેકિંગ અભિયાનને કારણે દારૂના ધંધાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.


