બદલતા મોસમે કૂતરાની પ્રકૃતિ બદલી: 120 દિ’મા 6000ના લોચા કાઢ્યા
ખસીકરણ પાછળ કરેલા કોરોડાના ખર્ચથી પણ શહેરીજનની સુરક્ષાની ખાતરી નહીં, સતત શિકાર બનવાનો ડર
એપ્રિલમાં જ 1500 લોકો ભોગ બન્યા: સિવિલમાં જ 2000થી વધુ લોકો સરવારમાં: તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાની લોકોમાં ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. શહેરમાં શ્વાનોની હિંસકતા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. મનપા દ્વારા શ્વાન વસ્તી નિયંત્રણની પ્રક્રિયા માટે વાર્ષિક ₹1.13 કરોડ (દરરોજ અંદાજે ₹30,958) જેટલો જંગી ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો આર્થિક બોજ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતો હોવા છતાં, વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં જ 5,999 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા પરથી સામે આવ્યું છે. જોકે, મનપાના અધિકારીએ વાતાવરણના બદલાવને કારણે શ્વાન આક્રમક બનતા હોવાનો લુલો બચાવ કર્યો છે.
રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ (PDU) અને પદ્મકુંવરબા હોસ્પિટલ (PKH) ખાતે નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ શ્વાન કરડવાના કુલ 5,999 કેસ નોંધાયા છે. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 1,695 કેસ સામે આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં કેસોમાં આંશિક ઘટાડો નોંધાયા બાદ, એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીની સાથે બનાવોમાં ફરી ઉછાળો આવ્યો હતો અને એપ્રિલમાં જ 1,553 લોકો ભોગ બન્યા હતા. 4 મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રોમાં 2,452, સિવિલ હોસ્પિટલમાં 2,224 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 1,323 કેસ નોંધાયા છે.
કરોડોના ખર્ચ છતાં પરિણામ શૂન્ય મળતાં શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે અથવા તેમાં ભારે બેદરકારી રાખવામાં આવે છે. આ અંગે મનપાના વેટરનરી ઓફિસર ડૉ. ઉપેન્દ્ર પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, શ્વાન આક્રમક બનવા પાછળ ઋતુગત ફેરફારો મુખ્ય કારણ છે. ઉનાળાની અતિશય ગરમીને લીધે શ્વાનોમાં શારીરિક તણાવ વધે છે, જેનાથી તેમનો સ્વભાવ ચીડિયો અને હિંસક બને છે. આ ઉપરાંત મેટિંગ સીઝન અને ગલુડિયાંને જન્મ આપ્યા બાદ માદા શ્વાન પોતાના બચ્ચાંની સુરક્ષા માટે વગેર કારણે પણ લોકો પર હુમલો કરી બેસે છે.
મનપાની વહીવટી પ્રક્રિયા અંગે ડૉ. ઉપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જ્યારે પણ નાગરિકો દ્વારા હિંસક શ્વાનની ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ મળે છે, ત્યારે ડોગ કેચિંગ ટીમ શ્વાનને પકડીને સત્તાવાર ડોગ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખે છે. સરકારી ગાઈડલાઈન્સ અનુસાર, શ્વાન સંપૂર્ણ શાંત થઈ ગયાની ખાતરી થયા બાદ તેને ફરીથી તે જ મૂળ જગ્યાએ મુક્ત કરવો પડે છે, કારણ કે કાયદા મુજબ શ્વાનનું સ્થાન કાયમી ધોરણે બદલી શકાતું નથી.


