રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ૫થી ૭ જૂન સુધી બાબા બાગેશ્વર ધામની ભવ્ય હનુમંત કથા
સંપૂર્ણ તૈયારને અપાતો આખરી ઓપ : કથા પૂર્વે ૧૦ ઝોનમાં નીકળશે કળશ યાત્રા, બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર પણ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર આગામી તા. ૫, ૬ અને ૭ જૂન દરમિયાન આધ્યાત્મિક રંગે રંગાઈ જવાનું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બાબા બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીની “સનાતન સેતુ હનુમંત કથા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ કથામાં હજારો ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા વચ્ચે આયોજકો દ્વારા બેઠકથી લઈને સુરક્ષા, પાર્કિંગ અને પાણી સુધીની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આયોજક સમિતિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ), રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા અને વિજયભાઈ પારખીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હનુમાન ભક્તિ, સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાતી આ કથા સમગ્ર સૌરાષ્ટ્ર માટે આધ્યાત્મિક મહોત્સવ સમાન બનશે. કથાના બીજા દિવસે બાબા બાગેશ્વર ધામનો પ્રસિદ્ધ દિવ્ય દરબાર પણ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, રાજકોટ અને સૌરાષ્ટ્રની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંતો-મહંતો અને હિન્દુ સંગઠનોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. હેતુ માત્ર કથાનું આયોજન નહીં પરંતુ હિન્દુ સમાજમાં સંગઠન, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી દેશ-વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. હનુમાન ભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપતા તેઓ દિવ્ય દરબાર માટે વિશેષ જાણીતા છે. મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામ આજે આધ્યાત્મિક કેન્દ્ર સાથે માનવ સેવા અને સંસ્કૃતિ જતનનું પણ પ્રેરણાસ્થાન બની ગયું છે.
રેસકોર્સ મેદાનમાં કથાના આયોજન માટે વિશાળ ગ્રાઉન્ડને ૨૪ અલગ-અલગ ખંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે અંદાજે ૧૮૦૦ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ૧૩૦ ફૂટ લાંબું અને ૪૫ ફૂટ પહોળું ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે ૬ વિશાળ એલઇડી સ્ક્રીન, એક લાખ વોટની આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સમગ્ર મેદાનને કવર કરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ માટે વીમા સુરક્ષા પણ લેવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. પાણી, લાઇટિંગ અને સ્વચ્છતાની વ્યવસ્થાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મેદાનમાં ૨૪ લાઇટિંગ ટાવર, પીવાના પાણીની સુવિધા અને કાયમી તેમજ ટેમ્પરરી યુરીનલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કથા દરમિયાન પ્રવેશ માટે અલગ-અલગ ગેટ નક્કી કરવામાં આવ્યા છે. ફન વર્લ્ડ પાસેના ગેટ નંબર ૧ અને ૨ જાહેર જનતા માટે રહેશે, પોલીસ હેડક્વાર્ટર પાસેનો ગેટ નંબર ૩ સંતો અને આમંત્રિત મહેમાનો માટે રહેશે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશન સામેનો ગેટ નંબર ૪ પ્રોટોકોલ માટે અનામત રાખવામાં આવ્યો છે. એરપોર્ટ ગેટ નંબર ૫ અને બાલભવન ગેટ નંબર ૬ પણ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.
હજારો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ચૌધરી હાઈસ્કૂલ, પોલીસ હેડક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વાહન પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આયોજકો દ્વારા ખાસ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે કથાના આયોજન માટે કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં. સમગ્ર ખર્ચ યજમાનો દ્વારા કરવામાં આવશે. જોકે, જે ધર્મપ્રેમી લોકો સેવા કાર્યો માટે દાન આપવા ઈચ્છતા હોય તેઓ બાગેશ્વર ધામના અધિકૃત કાઉન્ટર અથવા બેંક ખાતામાં સહયોગ આપી શકશે. આ આયોજનમાં પર્યાવરણ અને ઈંધણ બચતનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને ભક્તોને શેરિંગ સિસ્ટમથી વાહન ઉપયોગ કરવાની અને શક્ય હોય ત્યાં સુધી ઈ.વી. વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. બાબાના એરપોર્ટથી કથા સ્થળ સુધીના સ્વાગત કાર્યક્રમમાં પણ ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.
કથા પૂર્વે તા. ૪ જૂનના રોજ રાજકોટ શહેરના ૧૦ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. શહેરવ્યાપી એક જ યાત્રાના બદલે વિસ્તારવાર આયોજન કરીને પેટ્રોલ-ડીઝલની બચત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને સહપરિવાર કથામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજરોજ કથાના આયોજનમાં જોડાયેલા કિશોરભાઈ ખંભાયતા, હંસરાજભાઈ ગજેરા, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા, વિજયભાઈ પારખીયા, કેતનભાઇ ખંભાયતા, રમેશભાઈ શિંગાળા, જયેશભાઈ સંઘાણી, અરૂણભાઇ નિર્મળ અને વિનયભાઈ કારીયા અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને તમામ વિગતો વર્ણવી હતી.
દિવ્ય દરબાર રહેશે આકર્ષણનું કેન્દ્ર
હનુમંત કથાના બીજા દિવસે બાબા બાગેશ્વર ધામ સરકારનો પ્રસિદ્ધ દિવ્ય દરબાર યોજાશે. દેશભરમાં દિવ્ય દરબાર માટે જાણીતા પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના કાર્યક્રમને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બાગેશ્વર ધામના પાંચ મહાસંકલ્પ
બાગેશ્વર ધામ દ્વારા માનવ સેવા અને સંસ્કૃતિ જતન માટે પાંચ મહાસંકલ્પ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગરીબ દીકરીઓના સમૂહલગ્ન, ગૌસેવા અભિયાન, વૈદિક ગુરુકુળ અને નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજનાલયનો સમાવેશ થાય છે.
૨૪ ખંડમાં બેઠક વ્યવસ્થા
રેસકોર્સ મેદાનમાં કથા માટે વિશાળ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડને ૨૪ ખંડમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ખંડમાં અંદાજે ૧૮૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦ ઝોનમાં નીકળશે કળશ યાત્રા
કથા પૂર્વે તા. ૪ જૂને રાજકોટ શહેરના ૧૦ ઝોનમાં વિસ્તારવાર કળશ યાત્રા યોજાશે. પેટ્રોલ-ડીઝલની બચત અને ટ્રાફિકની સરળતા માટે કેન્દ્રિય યાત્રા બદલે ઝોનવાઇઝ આયોજન કરાયું છે.
ઈ.વી. વાહનોના ઉપયોગ પર ભાર
કથા સ્થળે આવવા-જવા માટે ઈ.વી. બસો શરૂ કરવા આયોજન થઈ રહ્યું છે. બાબાના સ્વાગત કાર્યક્રમમાં પણ ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. ભક્તોને પણ શેરિંગ સિસ્ટમથી વાહન ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.


