ધારીમાં જીવનમુક્તેશ્વર મંદિરે સામૂહિક ૫૪ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
ભક્તિ,ભજન અને પ્રભુપ્રસાદનાં ત્રિવેણી સંગમમાં હજારો ભાવિકો સહભાગી થયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના ધારીમાં શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં ધારી ગામ સમસ્તના સહકારથી તાજેતરમાં સામૂહિક ૫૪ પોથીજી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન થયું હતું.જેમાં વક્તાપદે ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતાએ સંગીતમય શૈલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કર્યું હતું.તેમજ શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યું હતું.
જેમાં મુખ્ય યજમાનપદે કાંતાબેન મનસુખલાલ રૂડાણી, ઉર્વશીબેન વિપુલભાઈ રૂડાણી. તેમજ પોથીજીના ૫૪ યજમાનોએ પોતાના પિતૃઓના આત્મકલ્યાણાર્થે સાત દિવસ પૂજાવિધિનો લ્હાવો લીધો હતો.રામજી મંદિર નબાપરાથી ભવ્ય પોથીયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો.કથામાં વરાહનારાયણ, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નૃસિંહ પ્રાકટ્ય,વામનજન્મ,રામજન્મ, કૃષ્ણજન્મ-ભવ્યનંદ મહોત્સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્સવ, ગોપીગીત, રુકમણીવિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાયા હતા.
કથા દરમ્યાન સર્વે શ્રોતાઓ માટે ભોજન મહાપ્રસાદ, સંતો-મહંતોના આશીર્વચન, નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ,વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ,જળસંચય અભિયાન વગેરેનું આયોજન થયું હતું.કથામાં ધારીના સામાજિક, ધાર્મિક અગ્રણીઓ, વ્યાપારીઓ,વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગવત સપ્તાહમાં નબાપરાના તથા ધારીના સર્વે અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. પૂ.શ્રી ગિરધરબાપા અને પૂ.શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ પાવન સ્થળે પવિત્ર પુરુષોત્તમ માસમાં આયોજિત આ કલ્યાણકારી સામૂહિક ભાગવત કથામાં હજારો ભાવિકોએ ઉપસ્થિત રહીને કથાશ્રવણ, પૂજા, આરતી, પ્રસાદનો ધર્મલાભ લીધો હતો.તેમ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમિતિની યાદીમાં જણાવાયું છે.


