ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
કાર્યકાળ માટે વિશેષ માર્ગદર્શન આપ્યું : પિતાનું નામ રોશન કરવા આર્શિવચન પાઠવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રાજકારણમાંથી એક ખૂબ જ સદ્ભાવનાપૂર્ણ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે હોદ્દો સંભાળ્યા બાદ સૌરાષ્ટ્રના રાજકીય ભીષ્મ પિતામહ, ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વરિષ્ઠ નેતાએ નવા મેયરને ભાવભીનું સ્વાગત કરી આગામી કાર્યકાળ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નેહલ શુક્લ જ્યારે વજુભાઈ વાળાના નિવાસ્થાન પર આશીર્વાદ લેવા પહોંચ્યા, ત્યારે વજુભાઈએ તેમને ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર આશીર્વાદ આપ્યા હતા. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા ખૂબ જ લાગણીસભર બની રહી હતી. વજુભાઈ વાળાએ નેહલ શુક્લના પિતા અને રાજકોટના જાણીતા પૂર્વ નેતા ચીમનભાઈ શુક્લ સાથેના જૂના રાજકીય અને પારિવારિક સંબંધોને યાદ કરીને વાતાવરણને જીવંત બનાવી દીધું હતું.
મુલાકાત દરમિયાન વજુભાઈ વાળાએ નવનિયુક્ત મેયરને રાજકીય જીવનનો મોટો મંત્ર આપતા કહ્યું હતું કે, “પોતાના સત્કાર્યોથી તારા પિતા ચીમનભાઈનું નામ રોશન કરજે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આજે તું નેહલ તરીકે નહીં, પરંતુ ચીમનભાઈનો દીકરો સત્તા પર બેઠો છે તે રીતે જવાબદારી સમજીને પ્રજાના કામ કરજે.” વરિષ્ઠ નેતાના આ પ્રેરણાદાયી શબ્દો સાંભળીને મેયર નેહલ શુક્લે પણ નગરજનોની સેવા પૂરી નિષ્ઠાથી કરવાની ખાતરી આપી હતી.


