આંતરરાષ્ટ્રીય સ્તરે ખેત મજૂરની દિકરીની સીઘ્ધી
જૂનાગઢના ચોરવાડની ખેલાડીએ હોંગકોંગમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક
એશિયન ચેમ્પિયન શિપમાં રિલે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ: ૪૫.૦૫ સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો
અગ્ર ગુજરાત, જૂનાગઢ
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી.
કાજલની સિદ્ધિ તેની સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતાં વધુ પ્રેરણાદાયી બની જાય છે. તેના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. આર્થિક પડકારો વચ્ચે પણ કાજલે પોતાની રમતગમત કારકિર્દી પર અડગ ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે અનેક ત્યાગ કર્યા.
ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ અને સ્પર્ધાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ તેને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું છે.


