ઘર પાસે રીક્ષા પાર્કિંગના ઝઘડામાં થયેલી હત્યામા એક આરોપીને આજીવન કેદની સજા
રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો : એક આરોપી મહેશ ડાભી શંકાના લાભે નિર્દોષ, હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં અલ્પેશ દોષિત ઠર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના રામાપીર ચોક વિસ્તારમાં ઘર આગળ રીક્ષા પાર્ક કરવા મુદ્દે વર્ષ 2021માં થયેલા ઝઘડામાં એક વ્યક્તિના મોત અને અન્ય એકને ગંભીર ઇજા પહોંચાડવાના કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અલ્પેશ સોમજીભાઈ ડાભીને હત્યા તથા હત્યાના પ્રયાસના ગુનામાં દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે તેના ભાઈ મહેશ ડાભીને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યો છે.
કેસની વિગતો મુજબ 30 ઓગસ્ટ, 2021ની રાત્રે ગંજીવાડા વિસ્તારની એક શેરીમાં અજય ધીરુભાઈ રાઠોડ પોતાના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણી સાથે બેઠા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા અલ્પેશ ડાભીએ પોતાની રીક્ષા ઘર સામે પાર્ક કરી હતી. રીક્ષા હટાવવા બાબતે થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.
આ દરમિયાન અશોકભાઈએ વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝઘડો વધુ વિકરાળ બનતા અલ્પેશ ડાભીએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અશોકભાઈને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે અજય રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસ તપાસ બાદ અલ્પેશ અને મહેશ ડાભી વિરુદ્ધ હત્યા તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઘટનાનો મૂળ વિવાદ અન્ય કારણોસર હતો અને ઘટનાસ્થળે અનેક લોકો હાજર હોવાથી ઇજાઓ કોના કારણે થઈ તે અંગે સ્પષ્ટતા થતી નથી.
જોકે, સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપી અલ્પેશના કપડાં તેમજ હુમલામાં વપરાયેલી છરી પરથી મૃતકનું લોહી મળી આવ્યું હતું, જે મહત્વનો વૈજ્ઞાનિક પુરાવો છે. ઉપરાંત, આરોપી વિરુદ્ધના પુરાવાનું કોઈ સંતોષકારક ખંડન પણ કરવામાં આવ્યું ન હતું.
બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાનો અભ્યાસ કર્યા બાદ પ્રિન્સિપાલ સેશન્સ જજ જે.આર. શાહે અલ્પેશ ડાભીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા સંભળાવી હતી. જ્યારે મહેશ ડાભી સામે પૂરતા અને નિર્વિવાદ પુરાવા ન મળતા તેને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.


