ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાતા પ3૮૦ વાહન ચાલકો RTOની ઝપટે ચડયા
ત્રણ મહિનામાં રૂ.૧.૫૮ કરોડના દંડની વસુલાત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO)ની ટીમે હાઇવે પર નિયમ ભંગ કરતા વાહનચાલકો સામે આકરું ચેકિંગ કર્યું હતું. ઓવરલોડ વાહનો અને સામેથી આવતા નિર્દોષ વાહનચાલકોને અંધાપો આપતી ગેરકાયદેસર વ્હાઇટ LED લાઇટોના કારણે હાઇવે લોહિયાળ બની રહ્યા છે. વર્ષ 2026ના ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ માત્ર ત્રણ મહિનાના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરતા બહાર આવ્યું છે કે, ચેકિંગમાં ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાડતા કુલ 5,380 વાહનચાલક સામે કડક કાર્યવાહી કરાઈ છે અને 1.58 કરોડનો દંડ ફટકારાયો છે.
હાઇવે પર રાત્રે અકસ્માતનું મુખ્ય કારણ બનતી ગેરકાયદેસર ‘વ્હાઈટ LED લાઈટ’ સામે RTOએ સૌથી વધુ કેસ કર્યા છે. ત્રણ મહિનામાં માત્ર વ્હાઇટ એલઈડીના જ 1,032 કેસ (ફેબ્રુઆરી: 464, માર્ચ: 275, એપ્રિલ: 293) નોંધીને રૂ.10.32 લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત, રસ્તાઓ તોડી નાખતા અને અકસ્માત નોતરતા ‘ઓવરલોડ’ માલવાહક વાહનો સામે પણ કડક કાર્યવાહી કરીને રૂ.57.43 લાખથી વધુનો દંડ માત્ર 477 કેસમાંથી વસૂલ કરાયો છે. ત્રણ મહિનામાં ફિટનેસ વગરના વાહનોના 371 કેસ કરીને રૂ.18.55 લાખ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તેવા 535 કેસ નોંધીને રૂ.10.70 લાખ વસૂલાયા છે. RTOની ટીમે ઓવરલોડ વાહનોના 477 કેસ કરી 57.43 લાખનો દંડ કર્યો.
ફેબ્રુઆરી-2026માં 1,512 કેસ નોંધીને રૂ.46,47,514 નો દંડ વસૂલાયો. માર્ચ-2026માં હોળી-ધુળેટીના તહેવારો વચ્ચે પણ RTO એ સપાટો બોલાવી 1,860 કેસ કર્યા અને રૂ.53,54,584 વસૂલ્યા તેમજ એપ્રિલ-2026માં વેકેશનના પ્રારંભે ચેકિંગ વધુ સઘન બનતા રેકોર્ડબ્રેક 2,008 કેસ સાથે સૌથી વધુ રૂ.58,67,685 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.


