ચોમાસા પહેલાં કુદરતનો રૌદ્ર અવતાર
ગુજરાતમાં આંધી-વરસાદનો ડબલ એટેક ; 5ના મોત
આકાશી આફતથી 150 તાલુકામાં તારાજી ; વૃક્ષો-થાંભલા ધરાશાયી, હોર્ડિંગ્સ ઉખડ્યાં, હજારો ઘરોમાં અંધારપટ; અમદાવાદ એરપોર્ટ પરથી 7 ફ્લાઇટ ડાયવર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતાં વ્યાપક તારાજી સર્જાઈ હતી. ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને વરસાદના કારણે રાજ્યભરમાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, હોર્ડિંગ્સ ઉખડી ગયા હતા અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. વરસાદી દુર્ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
હવામાનના અચાનક પલટાને કારણે ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો પ્રભાવિત બન્યા હતા. સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ ધંધૂકામાં નોંધાયો હતો. ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ખેડા જિલ્લામાં પોણા બે ઇંચ તથા માતર, લખતર, ચુડા અને નડિયાદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. વાવના માડકા ગામે પતરાનો શેડ તૂટી પડતાં 42 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ભાભરના તનવાડ ગામે વૃક્ષ ધરાશાયી થતાં 60 વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યો હતો. ડીસાના વરણ ગામે મકાનની દીવાલ પડતાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દાહોદ જિલ્લામાં પણ વાવાઝોડા સંબંધિત દુર્ઘટનાઓમાં બે લોકોના મોત નોંધાયા હતા.
ડીસા-થરાદ અને દિયોદર-જેતડા હાઇવે પર અનેક વૃક્ષો રોડ પર પડી જતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી અનાજની હજારો બોરીઓ વરસાદમાં પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. મહીસાગરમાં ભાગવત કથા માટે તૈયાર કરાયેલો વિશાળ મંડપ પણ પવનમાં ધરાશાયી થઈ ગયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરા, વાઘોડિયા, સાવલી અને ડભોઈ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદમાં માત્ર ત્રણ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સ છ રસ્તા સુધી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ અસર જોવા મળી હતી. રનવે પર વિઝિબિલિટી અને પવનની ગંભીર અસરને કારણે સાત જેટલી ફ્લાઇટોને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. સૌરાષ્ટ્રના મોરબી અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો. નવસારી, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ જનજીવનને અસર પહોંચાડી હતી. ચોમાસા પૂર્વે કુદરતના આ આક્રમક સ્વરૂપે લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે.
રાજ્યમાં વરસાદનો વ્યાપ
* 150થી વધુ તાલુકામાં વરસાદ
* સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ ધંધૂકામાં
* ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ
* ખેડા જિલ્લામાં પોણા બે ઇંચ
* માતર, લખતર, ચુડા અને નડિયાદમાં દોઢ ઇંચ
વરસાદી તાંડવમાં પાંચના મોત
* વાવમાં શેડ તૂટી પડતાં એકનું મોત
* ભાભરમાં વૃક્ષ પડતાં વૃદ્ધાનું મોત
* ડીસામાં દીવાલ ધરાશાયી થતાં એકનું મોત
* દાહોદમાં બે લોકોના મોત
* અનેક લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદ એરપોર્ટ પર અસર
* ખરાબ હવામાનથી ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિતુ
* 7 ફ્લાઇટ સુરત તરફ ડાયવર્ટ
* ભારે પવન અને ઓછી વિઝિબિલિટી જવાબદાર
માર્કેટ યાર્ડમાં કરોડોનું નુકસાન
* ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ પલળી
* ખેડૂતો અને વેપારીઓને ફટકો
* ખુલ્લામાં રાખેલો માલ વરસાદમાં બગડ્યો
વાવાઝોડાથી સર્જાયેલી સ્થિતિ
* વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી
* વિશાળ હોર્ડિંગ્સ ઉખડ્યાં
* શેડ અને પતરા ઉડી ગયા
* અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
હવામાન વિભાગની આગાહી
* દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય વરસાદની સંભાવના
* આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
* નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના
સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનનો પલ્ટો: ગાજવીજ સાથે વરસાદ, ગરમીથી મળી રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો છે. ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. વરસાદી માહોલને કારણે અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ભાવનગર શહેરમાં મોડી રાત્રે આશરે 2 વાગ્યે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. પવન અને વીજળીના ચમકારા એટલા પ્રચંડ હતા કે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો પણ જાગી ગયા હતા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, લાંબા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી હતી. ભાવનગર ઉપરાંત ઘોઘા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં રાત્રે 7 મી.મી. વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ આજે સવારથી ઠંડો અને ભેજવાળો પવન ફૂંકાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હવામાન ખુશનુમા બન્યું છે. જ્યાં વરસાદ નથી ત્યાં પણ સવારથી તડકા-છાંયડાની સ્થિતિ વચ્ચે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ 75થી 90 ટકા વચ્ચે નોંધાતા બફારો અનુભવાઈ રહ્યો હતો, પરંતુ પવનના કારણે લોકોને થોડી રાહત મળી હતી.
ગઈકાલે રાજકોટમાં 40.4 ડિગ્રી, અમદાવાદમાં 40.8 ડિગ્રી, અમરેલીમાં 39.7 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી અને ભાવનગરમાં 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 37.8, પોરબંદરમાં 35, સુરતમાં 36.2 અને વેરાવળમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાં વધુ રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


