અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સિનિયર પત્રકાર મેરૂભા મોયાની વરણી
નિર્ભિક પત્રકારોને પૂરતુ રક્ષણ આપવા પ્રયાસ : મેરૂભા મોયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પત્રકારોના હિત, સુરક્ષા અને તેમના અધિકારો માટે સતત કાર્યરત દેશવ્યાપી સંગઠન ‘અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ’ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા રાજકોટ શહેર પ્રમુખ તરીકે નિડર, પ્રમાણિક, સિનિયર પત્રકાર મેરૂભા દાદભા મોયાની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાએ મેરૂભા મોયાને નિમણૂક પત્ર અર્પણ કરી નવી જવાબદારીઓ સોંપી હતી. આ પ્રસંગે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હંમેશા સત્યની સાથે અડીખમ ઉભા રહેતા મેરૂભા મોયાના બહોળા અનુભવ અને કુશળ નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિનું માળખું વધુ સુદ્રઢ બનશે.
રાજકોટ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા મેરુભા દાદભા મોયાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકારો પર થતા હુમલાઓ અને ખોટા કેસો સામે સંગઠન કડક અવાજ ઉઠાવશે. સ્થાનિક પત્રકારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર સાથે સંકલન સાધવામાં આવશે. નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વ કરતા પત્રકારોને પૂરતું રક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
રાજકોટ શહેર પ્રમુખ તરીકે મેરુભા મોયાની વરણી થવાથી સ્થાનિક પત્રકાર આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમિતિના અન્ય હોદ્દેદારો, પત્રકાર મિત્રો અને શુભેચ્છકો દ્વારા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને નવી જવાબદારી માટે પુષ્કળ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


